વાસ્તવમાં વાસ્તુ બહુ ઊંડો વિષય છે: તેમાં પંચતત્ત્વ, પૃથ્વીનું ચુંબકીય અને ગુરુત્વાકર્ષણ બળ, જમીન નીચેથી આવતી તથા વાતાવરણમાં રહેલી ઊર્જાઓના અભ્યાસના આધારે નિયમોની રચના કરવામાં આવી છે.
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
વાસ્તુ મુજબ વધારે ને વધારે ખુલ્લી જગ્યા જો પૂર્વ અને ઉત્તર દિશામાં રાખીશું તો સારી એનર્જીનો લાભ સતત મેળવતા રહીશું અને આ નિયમને આધારે પૂર્વ કે ઉત્તર દિશાની મિલકત હંમેશા લોકોની પસંદગીમાં ઉપર રહે છે
છેલ્લાં ત્રણ અઠવાડિયાથી વાસ્તુના કામકાજ અર્થે વિદેશ પ્રવાસે હોવાથી લેખ નિયમિત રીતે લખી શકાયો નહોતો અને વાચક મિત્રો માટે એક ઈન્ટરવલ આવી ગયો હતો. જેમ દરેક દેશની પ્રજાનો પહેરવેશ, જીવનશૈલી અને ખાનપાન અલગ-અલગ હોય છે તેવી જ રીતે દરેક દેશની સ્થાપત્ય શૈલી અને બાંધકામમાં પણ વિવિધતા જોવા મળતી હોય છે. જોર્ડન અને ઈજિપ્તના મારા પ્રવાસમાં વાસ્તુના અનુભવ વિશે ઘણી ચર્ચાઓ આપણે આગળના અંકમાં કરીશું. લેખમાળાની શરૂઆતથી જ આપણે વાસ્તુના સંદર્ભમાં તર્કસંગત અને ઉદાહરણ સહિત વિષયના વિવિધ પાસાઓની ચર્ચા કરતાં આવ્યા છીએ. હજુ પણ સમાજનો મોટો વર્ગ વાસ્તુને ફકત ધાર્મિક દ્રષ્ટિકોણથી જોતો હોય છે કે પછી પોતાની ધારણા અનુસાર ફકત અમુક દિશાના મકાન લઈ લેવા તેવી હઠ પર હોય છે. વાસ્તવમાં વાસ્તુ બહુ ઊંડો વિષય છે. તેમાં પંચતત્ત્વ, પૃથ્વીનું ચુંબકીય અને ગુરુત્વાકર્ષણ બળ, જમીન નીચેથી આવતી તથા વાતાવરણમાં રહેલી ઊર્જાઓના અભ્યાસના આધારે નિયમોની રચના કરવામાં આવી છે.
- Advertisement -
આજે આપણે છેલ્લાં કેટલાક સમયથી વારંવાર ચર્ચાતા દક્ષિણમુખી ઘર કે પ્લોટ વિશે વાત કરીશું. જેમ કે દક્ષિણ દિશાના મકાન ઘર કે પ્લોટ ખરીદવાનું કે લેવાનું લોકો ટાળતા હોય છે. દક્ષિણ દિશાના મકાન એટલે તમારા ઘરના મુખ્ય દરવાજામાંથી આપ જ્યારે બહાર નીકળો છો અને સામે જો દક્ષિણ દિશા જુઓ છો તો આપની મિલકત દક્ષિણમુખી કહેવાશે.
આજે સામાન્ય માણસના મનમાં એક વાત સજ્જડ બેસી ગઈ છે કે બધી દક્ષિણમુખી મિલકતો ખરાબ છે અને એટલે જ જોયા વગર જ દક્ષિણમુખી સાંભળી ત્યાં જવાની ના પાડતા હોય છે. વાસ્તુ બાંધકામ શૈલીમાં જો આપ કોઈ ગોઠવણી ખોટી રીતે કરશો તો અનાયાસે બીજી વસ્તુ પણ ખોટી થઈ જશે. ઉદાહરણથી સમજીએ તો ઈશાન ખૂણામાં જો આપણું ટોઈલેટ હશે તો સ્વાભાવિક રીતે આપનું મંદિર ઈશાન ખૂણામાં ન જ હોય મતલબ આપના ટોઈલેટ અને મંદિર બંને ખોટી જગ્યાએ છે.
દક્ષિણમુખી મિલકતો વિશે પણ કંઈક આવું જ છે. આજકાલ જમીનની કિંમતો ખૂબ વધી ગઈ છે. મોટા પ્લોટ ખરીદવા સામાન્ય માણસના બજેટ બહાર થઈ ગયું છે. નાના પ્લોટ જો પૂર્વ કે ઉત્તરમુખી હોય તો વાસ્તુ મુજબ ગોઠવણી કરવી સરળ રહે છે અને પૂર્વ દિશામાંથી આવતો સવારનો સૂર્યપ્રકાશ ઘરને કુદરતી લાઈટ આપતો હોવાથી પૂર્વ દિશાના ઘર કે પ્લોટ સામાન્ય લોકો ખરીદતા હોય છે.
- Advertisement -
જ્યારે દક્ષિણમુખી પ્લોટમાં તે મુશ્કેલીભર્યું બની રહે છે છતાં વાસ્તુની અંદર દરેક દિશામાં ક્યા પદમાં દરવાજો રાખવો તેની સ્પષ્ટ માહિતી આપી છે તેથી જો દક્ષિણ દિશામાં પણ સાચી જગ્યાએ એન્ટ્રી બનાવીએ તો વાસ્તુ આ લાભ મેળવી શકાય છે.
વાસ્તુ મુજબ વધારે ને વધારે ખુલ્લી જગ્યા જો પૂર્વ અને ઉત્તર દિશામાં રાખીશું તો સારી એનર્જીનો લાભ સતત મેળવતા રહીશું અને આ નિયમને આધારે પૂર્વ કે ઉત્તર દિશાની મિલકત હંમેશા લોકોની પસંદગીમાં ઉપર રહે છે. જે લોકો વાસ્તુ નથી જાણતા કે નથી માનતા તેઓએ પણ અનુભવ્યું હશે કે પૂર્વ-ઉત્તર દિશાના પ્લોટની કિંમત બજાર કિંમત કરતાં વધારે હોય છે, અને વાંકો-ચૂકો કે અસામાન્ય આકાર ધરાવતો પ્લોટ કે દક્ષિણમુખી પ્લોટ બજાર કિંમત કરતાં થોડો સસ્તો હોઈ શકે છે.
વાસ્તુની અંદર દરેક દિશામાં ક્યા પદમાં દરવાજો રાખવો તેની સ્પષ્ટ માહિતી આપી છે તેથી જો દક્ષિણ દિશામાં પણ સાચી જગ્યાએ એન્ટ્રી બનાવીએ તો વાસ્તુ આ લાભ મેળવી શકાય છે
દક્ષિણમુખી મિલકતોમાં કેવું વાસ્તુ હોવું જોઈએ?
આજનો આ લેખ લખવાનો આશય એ છે કે દક્ષિણમુખી મિલકતોની અંદર ક્યા-ક્યા પ્રકારના વાસ્તુદોષ સંભવ છે અને જે લોકો દક્ષિણમુખી મિલકતની અંદર નિવાસ કરી રહ્યા છે અને હજુ લાંબો સમય ત્યાં રહેવાના છે અથવા જે લોકોએ દક્ષિણમુખી પ્લોટ ખરીદ્યો છે અને ત્યાં ભવિષ્યમાં બાંધકામ કરવાના છે તો તેઓએ વાસ્તુ મુજબ શું કાળજી રાખવી તેના વિશે માહિતી મેળવીશું.
1. દક્ષિણમુખી પ્લોટમાં આગળ એટલે કે દક્ષિણમાં ખુલ્લી જગ્યા ઓછી છોડવી અને પાછળ ઉત્તર દિશામાં ખુલ્લી જગ્યા વધારે રાખવી.
2. જો પ્લોટની સાઈઝ (પહોળાઈ) વધારે હોય તો પૂર્વ દિશામાં પણ ખુલ્લી જગ્યા (માર્જિન) રાખવી.
3. મુખ્ય દરવાજો સાચા પદમાં જ બનાવો તે ક્યારેય નૈઋત્ય ખૂણામાં ન બનાવો. (વાસ્તુની ગોઠવણી માટે આપના નજીકના વાસ્તુ સલાહકારને મળશો.)
4. દક્ષિણમુખી ઘરમાં અંડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક આગળ નૈઋત્ય ખૂણામાં કે અગ્નિ ખૂણામાં ન બનાવતા પાછળ ઈશાન કે ઉત્તરમાં બનાવવી.
5. પાણીનો બોર પણ આગળ નૈઋત્ય ખૂણા અને અગ્નિમાં ન કરવો.
6. ઈલેકટ્રીક મીટર કે વીજળીને લગતા ઉપકરણોની ગોઠવણી અગ્નિ ખૂણામાં કરવી.
7. ડ્રેનેજ આઉટલેટ કે સેફ્ટી ટેન્કના પાઈપની નિકાસ અગ્નિ ખૂણેથી કરવી.
8. ઘરની અંદર રસોડું અગ્નિ ખૂણામાં બનાવી શકાય, તે જો શક્ય ન હોય તો વાયવ્ય ખૂણામાં બનાવવું.
9. પ્લોટની સાઈઝ જો મોટી હોય તો ગ્રાઉન્ડ ફ્લોર પર નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ બનાવો. જો તે શક્ય ન હોય તો પ્રથમ માળે નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ બનાવો.
10. જો પ્લોટને બે રસ્તા મળતાં હોય એટલે કે દક્ષિણની સાથે પૂર્વ દિશામાં અથવા પશ્ર્ચિમ દિશામાં રસ્તો મળતો હોય તો પ્રવેશ ત્યાંથી કરી શકાય.
11. દક્ષિણમુખી ઘરમાં દક્ષિણની દીવાલની ઊંચાઈ વધારે રાખવી.
12. દક્ષિણમુખી પ્લોટમાં બાંધકામની રચના કરતાં હોય ત્યારે નૈઋત્ય ખૂણાનું ફ્લોરિંગ લેવલ નીચું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
13. દક્ષિણ દિશાના ઘરની અંદર ઈશાન ખૂણામાં સીડી, ટોઈલેટ કે કિચન ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું.
14. દક્ષિણ દિશાના ઘરની અંદર નૈઋત્ય ખૂણામાં ટોઈલેટ કે કિચન ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું.
15. દક્ષિણ દિશાના ઘરમાં વધારે બારીઓ પૂર્વ અને ઉત્તર દિશામાં રાખવી જોઈએ.