મતદાન કર્યા બાદ એકટરનું વિવાદી નિવેદન
મુંબઈમાં બોલીવુડની હસ્તીઓએ પણ મતદાન કર્યું હતું.દરમ્યાન બોલીવુડમાં અભિનેતા પરેશ રાવલે મતદાન કર્યા બાદ એવુ વિવાદી વિધાન કર્યું હતું કે મતદાન ન કરનારાઓને સજા થવી જોઈએ.
- Advertisement -
બોલીવૂડ અભિનેતા પરેશ રાવલે મુંબઈના એક મતદાન મથકે તેમનો મત આપ્યો હતો. મત આપ્યા બાદ તેમણે મીડિયાને પોતાની આંગળી પર કરવામાં આવેલ શાહીના નિશાન બતાવી અને ચૂંટણીમાં મત ન આપનારાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “જે લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલાક નિયમો હોવા જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો કરવો અથવા કોઈ અન્ય સજા થવી જોઈએ.”
આજે મતદાન નહીં કરો, તો સરકાર નહીં, તમે જવાબદાર હશો: રાવલ
મતદાન કર્યા પછી પરેશ રાવલે મીડિયા સાથે વાત કરી ચૂંટણીમાં ભાગ લેવા પરના મહત્ત્વ વિશે ભાર મૂક્યો હતો. અભિનેતાએ કહ્યું, “તો પછી તમે જ કહેશો કે, સરકાર આ નથી કરતી, તે નથી કરતી. એટલે જો તમે આજે મતદાન નહીં કરો, તો પછી સરકાર નહીં, તમે જવાબદાર હશો.” રાવલે નાગરિકોને પોતાના નાગરિકત્વની ફરજો માટે જવાબદારી લેવા આગ્રહ કર્યો હતો.
- Advertisement -
રાવલે મતદાન ન કરનારાઓને સજા કરવાનું પણ સૂચન કર્યું
આ સાથે રાવલે મતદાન ન કરનારાઓને સજા કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું, “જે લોકો મતદાન નથી કરતાં તેમના માટે કેટલાક નિયમો હોવા જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા હોવી જોઈએ.” આ અગાઉ અક્ષય કુમાર, શાહિદ કપૂર, સાન્યા મલ્હોત્રા, રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર સહિત ઘણી બોલીવુડ હસ્તીઓએ પણ મુંબઈની વિવિધ બેઠકો પરથી મતદાન કર્યું હતું.
મહારાષ્ટ્રમાં કુલ 13 બેઠકો પર મતદાન
પાંચમાં તબક્કામાં મહારાષ્ટ્રમાં કુલ 13 બેઠકો પર મતદાન થયું હતું. આ 13 બેઠકોમાંથી 6 બેઠકો મુંબઈમાં છે. મુંબઈમાં મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ મધ્ય બેઠકો પર મતદાન હતું. આ ઉપરાંત મહારાષ્ટ્રના ડિંડોરી, નાસિક, કલ્યાણ, પાલઘર અને ભિવંડી અને થાણેમાં પણ લોકો તેમનુ મતદાન કરી રહ્યા છે. અગ્રણી ઉમેદવારોમાં પિયુષ ગોયલ, ઉજ્જવલ નિકમ અને શ્રીકાંત શિંદે સહિત અનેક નેતાઓનું ભાવિ EVMમાં સીલ થયું હતું.