નામ પરત લેવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી
દેશમાં અત્યારે ચૂંટણીનો ભારે રસાકસીવાળો માહોલ જોવા મળી રહ્યો છે. પંજાબમાં ગત તા. 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું. બાદમાં રાજકીય પક્ષોની વિનંતી પર ચૂંટણી પંચે ચૂંટણીની આગામી તા. 20 ફેબ્રુઆરી કરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને મતદાનની તારીખ મોકૂફ રાખવા વિનંતી કરી હતી.
પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણા રાજુએ ગઈકાલે જણાવ્યું કે, ‘આવતા મહિને યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભરવાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે અને આગામી તા. 1 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે આગામી તા. 20 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મત ગણતરી આગામી તા. 10 માર્ચે થશે.’
- Advertisement -
કરુણા રાજુએ આગળ કહ્યું કે, ‘નામાંકન પત્રોની ચકાસણી આગામી તા. 2 ફેબ્રુઆરીએ કરવામાં આવશે; અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તા. 4 ફેબ્રુઆરી હશે.’
કરુણા રાજુએ જણાવ્યું હતું કે, ‘આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો આવતીકાલથી આગામી તા. 1 ફેબ્રુઆરી સુધી સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધી સંબંધિત રિટર્નિંગ ઓફિસર્સની ઓફિસમાં ફાઈલ કરવામાં આવશે. તા. 26 જાન્યુઆરીએ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 હેઠળ રજા હોવાથી તે દિવસે રિટર્નિંગ ઓફિસર સમક્ષ નામાંકન પત્રો રજૂ કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે આગામી તા. 30 જાન્યુઆરીએ રવિવાર હોવાથી રજા છે. પંજાબમાં ગત તા. 8 જાન્યુઆરીથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.’
કોરોનાના કેસ સતત વધ્યા બાદ ચૂંટણી પંચે રાજકીય પક્ષોની રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે શનિવારે પાંચ રાજ્યોમાં રેલીઓ અને રોડ- શો પરનો પ્રતિબંધ આગામી તા. 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો, પરંતુ પ્રથમ બે તબક્કામાં મતદાન થનાર વિધાનસભા ક્ષેત્રોમાં વધુમાં વધુ 500 લોકો સાથે જાહેર સભાઓને મંજૂરી આપી હતી. આ સાથે ડોર ટુ ડોર પ્રચારના નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે.
- Advertisement -
અગાઉ તા. 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું :
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને મતદાનની તારીખ સ્થગિત કરવા વિનંતી કરી હતી; કારણ કે લાખો અનુયાયીઓ આગામી તા. 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતિની ઉજવણી કરવા ઉત્તરપ્રદેશમાં વારાણસીની મુલાકાત લે છે.
પક્ષોએ કહ્યું કે, ગુરુ રવિદાસના ઘણા અનુયાયીઓ તા. 14 ફેબ્રુઆરીએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે તેઓ તે સમયે મુસાફરી કરશે. તા. 20 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન પણ થવાનું છે.