ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ અનેકને અચંબામાં નાખ્યાં
ગઈકાલે સોશિયલ મીડિયા પર ક્યાંક વાંચ્યું કે, મોદીનો જાદુ આવો જ રહ્યો તો ક્લાસનાં મોનિટર પણ ભાજપનાં જ હશે! સોશિયલ મીડિયા ટુચકાઓથી છલક-છલક છે, ગુજરાતની જનતા મરક-મરક છે. અંતિમ અટ્ટહાસ્ય નરેન્દ્ર મોદીનું જ રહ્યું છે. રાબેતા મુજબ. કોઈએ કહ્યું કે, ફેસબૂક પર કે વ્હોટ્સએપ પર કોઈ આપીયાઓને શોધતા નહીં- બધાં ઈસુદાન ગઢવીનાં શપથવિધિમાં ગયા છે!
- Advertisement -
ચૂંટણીમાં અને પરિણામ પછી આમઆદમી પાર્ટીનાં, ગોપાલ ઈટાલિયાનાં અને ઈસુદાન ગઢવીનાં મીમ્સ જ સૌથી વધુ શા માટે જોવા મળ્યાં, ખ્યાલ છે? કારણ કે પ્રચાર દરમિયાન તેમનો અહમ્ જ સૌથી વધુ છલકાતો હતો. એમની વાણીમાં ટનબંધ ગુમાન હતું. પોતે બધા જાણે અવતારી પુરુષ કે પયગંબર છે. ઈટાલિયાની બોડી લેન્ગ્વેજ અને લેન્ગ્વેજ જોઈ હતી તમે? એ જોયા પછી તો કદાચ એ ભાજપમાં હોય તો પણ કોઈ તેને મત ન આપે. બટકબોલા નેતાઓ લોકોને બહુ ગમતાં નથી. મણીશંકર ઐય્યર, દિગ્વિજય સિંહ કે સંજય રાઉત સુધીનાં અઢી મીટરની જીભડી ધરાવતાં લોકોને એટલે જ જનતા દિલથી ધીક્કારે છે. કૂઆમાં ઝાઝું પાણી ન હોય અને એ કૂઓ ઉલેચ્યા જ કરો તો છેવટે કદડો બહાર આવવા માંડે. જે કૂઆમાં ભરપૂર સરવાણીઓ હોય તેમાંથી જ સતત જળ ઉલેચી શકાય. ભાજપનાં નેતા સુધાંશુ ત્રિવેદી અસ્ખલીત બોલે છે, કલાકો સુધી બોલી શકે છે. પરંતુ એમની વાણીમાં ક્યાંય આછકલાઈ છલકાતી નથી, ઈવન ડોકિયું પણ નથી કરતી. એમનાં વકતવ્યમાંથી નકરું પાંડિત્ય અને અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ સ્પષ્ટ દેખાય છે. માત્ર વિરોધીઓને ગાળો ભાંડવી એ રાજનીતિ નથી.
આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની સૌથી મોટી ભૂલ એ છે કે, તેમણે એક સોશિયલ મીડિયાનાં અનિષ્ટને પ્રદેશ પ્રમુખ બનાવી દીધાં. મુગટ પર મણી શોભે, કાંકરા નહીં. ગોપાલ એક અંતિમવાદી પ્રકારનો, સળીખોર, અરાજકતાવાદી માણસ છે, તેનાં પ્રમુખપદ હેઠળ કોઈ પોલિટિકલ પાર્ટી તો દૂરની વાત છે, કો-ઓપરેટિવ સોસાયટી કે મંડળી પણ ન ચાલી શકે. હા! માઓવાદી સંગઠન જરૂર ચાલે.
ગુજરાતમાં મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ છે.
ઈસુદાન-ઈટાલિયા જેવા લોકોની રાજકીય વિચારશક્તિ જ્યાં ખતમ થાય છે, ત્યાંથી તો મોદીની શરૂ થાય છે!
- Advertisement -
તમે ભાગ્યે જ આ ચૂંટણીમાં તેનાં કોઈ નેતાની ઠઠ્ઠા-મશ્કરી જોઈ હશે. કારણ કે, આમ આદમી પાર્ટી જે અધમ્ કક્ષાની રાજનીતિ કરે છે તેવું કરવાનું કોંગ્રેસનું પણ ગજું નથી. આવી લાઉડનેસ લોકોને ગમતી નથી. ખાસ કરીને ગુજરાતીઓને નહીં. ગુજરાતીઓની નાડ મોદી જ બરાબર પારખી શકે છે. ભારતીયોની પણ. પોલિટિકલ પંડિતો, મહાન નિષ્ણાતો અને બુદ્ધિજીવીઓ પાસે મોદીની ક્ષમતા અને લોકપ્રિયતા અને રાજકીય સમજ માપવાનું મીટર નથી. ભારતે અગાઉ આવો નેતા જ ભાળ્યો નથી તેથી તેને માપવાની ફૂટપટ્ટીની કે મીટરપટ્ટીની શોધ જ નથી થઈ. એમની લોકપ્રિયતાનું કોઈ માપ નથી. એમની રાજકીય કુનેહ પણ અસીમ છે. ઈટાલિયા- ઈસુદાન જેવાં લોકોની વિચારશક્તિ જ્યાં પૂરી થાય ત્યાંથી મોદીની શરૂ થાય છે. ગુજરાત એમનો કિલ્લો છે. આ અભેદ્ય કિલ્લાનાં નિર્માણમાં જંતરમંતર જેવી ભૂલભૂલામણીનો તેમણે ઉપયોગ કર્યો છે. કિલ્લાનાં કતારગામનાં રસ્તે ગોપાલભાઈ ગયા, વરાછાના રસ્તે અલ્પેશભાઈ અને ખંભાળિયાના માર્ગે ઈસુદાન. સામે અચાનક મજબૂત દીવાલ આવી ગઈ. સોંસરવું નીકળવું શક્ય નહોતું અને પરત ફરવાનો માર્ગ તેઓ જાણતા નથી. એટલે જ અમારા જેવા સ્થાનિક અને મામૂલી પંડિતો કહે છે કે, દિલ્હીનાં મહાન પંડિતોથી ભોળવાઈ ન જાઓ, હમારી કોઈ શાખા નથી, હમે જ ગુજરાતને જાણીએ છીએ. અમારુ અધૂરું પણ મધુરું પાંડિત્ય એમ પણ કહે છે કે, ગુજરાતમાં ભાજપ વિરોધી ટોળાં જોઈને કદી ભરમાઈ ન જવું. જાદુગર પી. સી. સરકાર જેમ તમારી નજરની સામે જ આખી ટ્રેન કે તાજમહલ ગૂમ કરી દેતાં તેમ મોદી મતદાનના દિવસે આ આખા ટોળાં ગાયબ કરી દે છે. 2017માં હાર્દિક પટેલ સુરતમાં રેલી કરતો ત્યારે લાખોના ટોળાં ઉમટતાં. એક વખત મારા એક ઘોઘેરા મિત્રએ ત્યારે મને ફોન કર્યો કે, ‘બોસ, ગુજરાતમાંથી ભાજપ જાય છે… આ હાર્દિકની સભામાં મેદની તો જુઓ!’ ત્યારે જ મેં એને કહેલું કે, ‘ભાઈ, મેદનીથી અંજાઈ જવું નહીં!’ આ વખતે પણ ઈટાલિયા અને કથિરીયા ટોળાં ભેગાં કરતાં, બધાં આવતાં, રમતાં-જમતાં અને છેલ્લે મત બધાં ભાજપને આપી આવ્યા. ટોળાંમાં બુદ્ધિ ન હોય- એવું કથન દરેક કિસ્સામાં સત્ય નથી હોતું.
ટોળાંઓમાં બુદ્ધિ ન હોય તો ગુજરાતની 181 બેઠકમાંથી 128 પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોની ડીપોઝિટ ડૂલ ન થઈ હોય. અને બનાસકાંઠાના થરાદમાં આપનાં ઉમેદવારને માત્ર પોણા ત્રણસો મત (0.01%) મત જ ન મળ્યા હોય. ટોળાંઓને મતદારમાં કે મતમાં ક્ધવર્ટ કરવાનું સહેલું નથી. એક વખત તમારી સભામાં હજારો- લાખો લોકો ભેગા થાય- એટલું જ જરૂરી નથી. તમે તેને શું કહો છો, તમારી વાતમાં તેમને કેટલું તથ્ય-સત્ય લાગે છે, તમે તેમને કેવી રીતે અપીલ કરી શકો છો એ પણ એટલું જ અગત્યનું છે. પૂણેની ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં સ્ટુડન્ટ્સને વિશ્ર્વનાં મહાનતમ્ નેતાઓનાં વક્તવ્યો સંભળાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરે છે. અને જાણવા પ્રયત્ન કરે છે કે જે-તે નેતાની વાણીમાં એવો તો કેવો પ્રભાવ હતો કે તેઓ દાયકાઓ સુધી લોકોને મંત્રમુગ્ધ કરતા રહ્યાં. ભવિષ્યમાં તેમની લાયબ્રેરીમાં મોદીની સ્પીચ પણ હશે. આવી જ રીતે વિસ્મયવાદીઓ, રહસ્યવાદીઓમાં પણ એ ચર્ચાનો વિષય છે/ રહેશે કે આ માણસમાં એવી તો કેવી ઑરા છે કે, બસ્સો-પાંચસો મીટર દૂર બેઠેલી વ્યક્તિને પણ એ મેસ્મરાઈઝ કરી શકે છે.
દરેક લોકો પોતપોતાની દૃષ્ટિ અને સમજ મુજબ મોદીરહસ્ય ઉકેલવાના પ્રયત્નો કરતા રહે છે. ખૂદ ભાજપનાં લોકો પણ મોદીકોયડો સમજી શક્યા નથી, ઉકેલી શક્યા નથી. આ વખતનો જ દાખલો લો: પરિણામનાં આગલાં દિવસ સુધી ખૂદ ગુજરાત ભાજપનાં દિગ્ગજો કહેતા હતા કે, ભાજપને 120-130 બેઠકો મળશે. વધારાની 36 સીટ સાહેબે પોતાની ઝોળીમાંથી કેવી રીતે કાઢી- કોઈ જાણતું નથી.