રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે સંરક્ષણ પ્રધાન સિંહ: કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નહીં; ફક્ત કાયમી હિતો
રાજનાથ સિંહે બે સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ્સના કમિશનિંગનો ઉલ્લેખ કરીને સંરક્ષણમાં આત્મનિર્ભરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો
- Advertisement -
ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવી રહેલા ટેરિફ અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે વધી રહેલા દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું છે કે, ‘ભારત કોઈને પોતાનો દુશ્મન માનતું નથી.’
આ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, ‘કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતો નથી, માત્ર કાયમી હિતો હોય છે. ભારત માટે પોતાના ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોના હિતો જ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આત્મનિર્ભરતા માત્ર લાભ જ નહીં, પરંતુ એક જરૂરિયાત બની ગઈ છે.’
રાજનાથ સિંહે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો
- Advertisement -
રાજનાથ સિંહ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણી મહત્ત્વની ટિપ્પણીઓ કરી. તેમણે કહ્યું કે, ‘આજે દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે દરરોજ આપણી સામે નવા પડકારો આવીને ઊભા રહે છે. આત્મનિર્ભરતાને પહેલા માત્ર વિશેષાધિકાર તરીકે જોવામાં આવતી હતી, પરંતુ આજે તે અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રગતિ માટેની શરત છે. આત્મનિર્ભરતા આપણા અર્થતંત્ર અને આપણી સુરક્ષા બંને માટે જરૂરી છે.’
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘આ થોડા દિવસોનું યુદ્ધ ભલે ભારતની જીત અને પાકિસ્તાનની હાર દર્શાવતું હોય, પરંતુ તેની પાછળ વર્ષોની વ્યૂહાત્મક તૈયારી છુપાયેલી છે. આપણી સેનાઓએ પણ વર્ષોની તૈયારી, સખત મહેનત અને સ્વદેશી ઉપકરણો સાથે પસંદ કરેલા લક્ષ્યો પર અસરકારક કાર્યવાહી કરી છે.’