દિલ્હી પોલીસની SWOT ટીમ સક્રિય હોવાથી સરહદી વિસ્તાર પર પેટ્રોલિંગની સાથે તપાસ વધારવાના કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, ઈન્ડિયા ગેટ અને ભીડવાળા વિસ્તારોમાં પણ ચુસ્ત સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આગામી તા. 26 ના પ્રજાસત્તાક દિવસને લઈને શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. આતંકવાદી હુમલાની સૂચના બાદ દિલ્હી પોલીસે આવતીકાલથી રાજધાનીને એન્ટી ડ્રોન ઝોન તરીકે જાહેર કરી છે. દિલ્હીમાં ડ્રોન, પેરા ગ્લાઈડર, યુએવી, નાના માઈક્રો એરક્રાફ્ટ, એર બલૂન પર પ્રતિબંધ મુકવામાં આવશે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું કે, દિલ્હીમાં એન્ટી ડ્રોન સિસ્ટમ તા. 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
- Advertisement -
ઈન્ડિયા ગેટની આસપાસ અત્યારે ચુસ્ત સુરક્ષા :
દિલ્હી પોલીસની SWOT ટીમ સક્રિય હોવાથી સરહદી વિસ્તાર પર પેટ્રોલિંગની સાથે તપાસ વધારવાના કડક નિર્દેશ અપાયા છે. સુરક્ષા વ્યવસ્થા માટે મોબાઈલ પોલીસ કંટ્રોલ રૂમ વાનનો પણ ઉપયોગ કરવામાં આવશે. શંકાસ્પદોની ઓળખ કર્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
VIP અને નેતાઓ આતંકવાદીઓના નિશાના પર છે :
ગાઝીપુર મંડીમાં IED મળ્યા બાદ હવે ઈન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્હી પોલીસને પ્રજાસત્તાક દિવસ પર આતંકવાદી હુમલાની સંભાવના અંગે ચેતવણી આપી છે. અત્યારે નેતાઓ સહિત કેટલાક વીઆઈપીને નિશાન બનાવવાના સંકેતો મળી રહ્યા છે. પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પ્રજાસત્તાક દિવસ પર આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. શીખ ફોર જસ્ટિસ ગત વર્ષની જેમ લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવવાની ઘટનાનું પુનરાવર્તન પણ કરી શકે છે.
સુપ્રસિદ્ધ ગણતંત્ર પરેડ પર હુમલો થઈ શકે છે :
IB ને મળેલી માહિતી મુજબ, આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારતમાં વિસ્ફોટક લાવ્યા છે. ગાઝીપુર મંડીમાં મળેલો IED તેનો એક ભાગ હતો. આ પૂર્વે પણ જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.