‘લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.’ આ પંક્તિને સાર્થક કરી છે વિશુ રાજપુતે. દુનિયામાં સાહસિક લોકોની કોઈ કમી નથી પરંતુ સાહસ કરવું એ દરેક લોકો માટે શક્ય પણ નથી. આ વાત છે મોરબીના હળવદ તાલુકાના માથક ગામમાં રહેતાં વિશુ રાજપુતની કે જે દિવ્યાંગ હોવા છતાં સામાન્ય લોકોની જેમ જ જીવન જીવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ નામના કમાઈ છે. ઈન્સ્ટાગ્રામમાં 2.7 મિલિયન અને યુટયુબમાં 2.3 મિલિયન ફોલોવર્સ છે. બે હાથ અને એક પગ નથી છતાં પણ તમામ લોકોની ચેલેન્જને વીશુ રાજપુત સ્વીકારી રહ્યા છે. એ ચેલેન્જ પછી ટુ વ્હીલર્સ ચલાવવાની હોય કે ફોર વ્હીલર્સ ચલાવવાની હોય કે પછી હાથેથી લખવાની હોય. આ ચેલેન્જ પરથી તેઓ તમામ એવા લોકોને સંદેશો આપી રહ્યા છે કે જેઓ જીવનથી નાસીપાસ થઈ અંતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે છે.
‘ખાસ-ખબર’ની મુલાકાત દરમિયાન વિશુ રાજપુતે અત્યાર સુધીની તેના જીવનની અનેક ચડતી-પડતીઓ વિશે ચર્ચા કરી હતી. વિશુ રાજપુત એક નાનકડા ગામ અને સામાન્ય પરિવારથી આવે છે. તેઓના પરિવારમાં એક નાની બહેન અને માતા છે. નાનપણથી એટલે કે નવ વર્ષના હતા ત્યારથી વીજળીનો ઝટકો લાગવાથી બંને હાથ અને એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. છતાં પણ વિશુ રાજપુત હિંમત હાર્યા નહીં અને આજે પણ પૂરા પરિવારનું ગુજરાન એકલા હાથે ચલાવે છે જે ખૂબ ગર્વની બાબત છે. નાનપણથી જ રીલ્સ બનાવવાનો ગાંડો શોખ છે. સાથે સાથે તેઓ શેરો-શાયરી પણ કરે છે. જે કામ સામાન્ય માણસ નથી કરી શકતું તે આ દિવ્યાંગ વિશુ રાજપુત ખૂબ જ સારી રીતે કરે છે. તેમની તમામ રીલ્સ એક સંદેશો આપતો હોય છે જેનાથી અન્ય લોકો જીવન જીવવા પ્રેરિત થાય છે.
- Advertisement -
હિટાચી, જે.સી.બી. સહિત તમામ પ્રકારના વાહનો ખૂબ જ સરળતાથી ચલાવી લોકોને જીવન જીવવાનો જુસ્સો આપે છે વિશુ રાજપૂત
દિવ્યાંગ હોવા છતાં સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવતાં વિશુ રાજપૂતના ઈન્સ્ટામાં મિલિયન ફોલોઅર્સ
- Advertisement -
9 વર્ષના હતા ત્યારે બે હાથ અને એક પગ ગુમાવ્યા: હિંમત ન હારી સોશિયલ મીડિયામાં અનેક લોકોની ચેલેન્જને એક્સેપ્ટ કરે છે વિશુ રાજપૂત
જીવનની સુખદ ઘડી કઈ છે?
મને હજુ પણ યાદ છે એ દિવસ કે 2023ની સાંજે રોડ પર મેં એક ડાન્સ કર્યો હતો. ત્યારે રાત્રે સુતો એ પહેલાં જોયું તો માત્ર 500 લોકોએ મારી રીલ જોઈ હતી પરંતુ જ્યારે સવારે જાગ્યો ત્યારે માત્ર એક જ રાતમાં 60 મિલિયન્સ વ્યુ આ રીલને મળી હતી અને 4 લાખ પચીસ હજાર એક રાતમાં ફોલોવર્સ વધી ગયા ત્યારે એ દિવસની સવાર મારા માટે સુખનો સૂરજ ઉગ્યો બરાબર હતી.
વિશુ રાજપુતે વધુમાં જણાવ્યું હતું કે હું દરેક કાર્યને ખૂબ જ મહેનત અને કુશળતાથી પાર પાડું છું. વિશુ રાજપુતની એક રીલ ખૂબ જ વાયરલ થઈ હતી અને જોવાઈ પણ હતી. જેમાં તેઓ જે.સી.બી. અને હિટાચી કે જે સામાન્ય માણસ પણ ચલાવી નથી શકતો તે ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ ટુ વ્હીલર્સ પણ ખૂબ સારી રીતે ડ્રાઈવ કરે છે અને તેમના પરિવારને ટુ વ્હીલર્સમાં ડ્રાઈવ પણ ખૂબ જ કુશળતાથી કરાવે છે જેનો પરિવારજનો પણ ગર્વ અનુભવે છે. આમ અનેક મુશ્કેલીઓ અને દિવ્યાંગ હોવા છતાં પણ વિશુ રાજપુતે સોશિયલ મીડિયામાં ખૂબ નામના કમાઈ છે અને લોકોનો સ્નેહ-પ્રેમ પણ તેમને મળી રહ્યો છે તેવું અંતમાં તેમણે ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
જીવનની સૌથી દુ:ખદ ઘડી કઈ છે?
ઉત્તરાયણના દિવસે હું પતંગ લૂંટવા દોડ્યો જે દરમિયાન મને વીજકરંટ લાગવાથી મારા બંને હાથ અને એક પગ જતાં રહ્યા હતા. હું બેભાન થઈ ગયો હતો. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું કે મારા બંને હાથ નથી અને એક પગ નથી. આ સૌથી દુ:ખદ ઘટના છે મારા જીવનની. છતાં પણ મેં હિંમત હારી નથી અને આજે આ સ્ટેજ પર પહોંચ્યો છું. મને લોકોનો ખૂબ જ પ્રેમ અને સહયોગ મળી રહ્યો છે જેના માટે હું ઈશ્ર્વરનો આભારી છું.