જીવંત પ્રસારણ કે કોઈપણ આઈપીએલ ઈવેન્ટ પર લાગુ ખેલાડીઓ – કોમેન્ટેટર – અમ્પાયર્સની આ પ્રકારની એડ. પ્રતિબંધીત
ભારતીયોએ ચેમ્પીયન ટ્રોફીનો આનંદ માણ્યો, હવે તા.22થી આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે તે પુર્વે જ સરકારે એક આદેશમાં આઈપીએલના પુરા ઈવેન્ટમાં તંબાકુ કે શરાબની જાહેરાતો નહી દર્શાવવા આદેશ આપ્યો છે.
- Advertisement -
આ આદેશ ફકત ટેલીવિઝનના જીવંત પ્રસારણ જ નહી પણ સ્ટેડીયમ અને આઈપીએલ સાથે જોડાયેલા તમામ ઈવેન્ટમાં પણ લાગુ રહેશે. આ ઉપરાંત ખેલાડીઓ, કોમેન્ટેટરો, અમ્પાયર્સ સહિત આઈપીએલ સાથે જોડાયેલા કોઈની પણ આ પ્રકારની એડ. પ્રસારીત થાય નહી તે જોવા જણાવાયુ છે. આ આદેશ સરોગેટ- એડ. એટલે કે પ્રોકસી તરીકે તે રજુ થાય છે તેને પણ લાગુ પડશે. ડિરેકટર જનરલ ઓફ ઈન્ડીયન હેલ્થ સર્વિસ અતુલ ગોએલ એ આ અંગે આઈપીએલના ચેરમેન અરૂણસિંઘ ધુમલને એક પત્ર લખીને સ્ટેડીયમ કે આઈપીએલને ઈવેન્ટમાં પણ તંબાકુ કે શરાબનું વેચાણ થાય નહી તે જોવા પણ જણાવ્યુ છે.
સરકાર ખેલકુદમાં તંબાકુ, સિગારેટ, શરાબ વિ. સાથેનો નાતો તોડવા માંગે છે અને તેની સીધી કે આડકતરી કોઈપણ રીતે તેની એડ. કે વેચાણ થાય નહી તે નિશ્ચિત કરવા માંગે છે. ક્રિકેટ બોર્ડને લખાયેલા એક પત્રમાં સરકારે જણાવ્યું છે કે, ક્રિકેટર સહિતના ખેલાડીઓએ આજે યુવા વર્ગ માટે રોલ મોડેલ છે અને તેઓને આ રીતે શરાબ-સિગારેટ અને તંબાકુ સાથે જોડવાથી તેના આરોગ્ય પર અસર થાય છે. દેશમાં કેન્સર સહિતની બિમારીઓ વધી રહી છે. ઉપરાંત આ પ્રકારના વ્યસન એ ડાયાબીટીસ, શ્વાસ સંબંધી રોગો, બીપી, વિ.ની પણ સમસ્યા સર્જી શકે અને આ રોગોથી થતા મોતમાં 70% ફાળો તંબાકુ-સિગારેટનો હોય છે. ગોએલ એ લખ્યું કે, આઈપીએલ એ દેશમાં સૌથી વધુ જોવાતો ખેલ ઈવેન્ટ છે અને તેથી તેના આયોજકોની એ નૈતિક જવાબદારી પણ બની રહી છે કે તે લોકોને આરોગ્યની પણ ચિંતા કરે તે જરૂરી છે.