બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તો માત્ર ભગવાન સ્વામિનારાયણનાં મેનેજર છે!
કપાળે ટીલાં, નિત્ય લીલા!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સનાતનના દેવી-દેવતાઓના અપમાનની પરાકાષ્ઠા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય અને તેમના યોગ્યતા વિનાના બની બેઠેલા સ્વામીઓનો વાણીવિલાસ. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓ સનાતનના દેવી-દેવતાઓ માટે અણછાજતી ભાષા વાપરીને તેમજ પુસ્તકો-સાહિત્ય દ્વારા ઘનશ્યામ મહારાજને મહાન ચીતરવાના પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક બાદ એક સ્વામીએ બફાટ કરી પુરવાર કર્યુ છે કે તેઓ હિંદુ ધર્મના વિવિધ ભગવાનને નિમ્ન અને એકમાત્ર ઘનશ્ર્યામ મહારાજને મહાન દર્શવવા કોઈ પણ હદ સુધી જશે.
રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસજીનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામીએ સનાતન ધર્મના દેવી-દેવતાઓ અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા અંગે વિવાદિત નિવેદનો કર્યા છે. વીડિયોમાં નિત્યસ્વરૂપદાસજીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ભગવાન સ્વામિનારાયણ દ્વારા સર્જિત અને તેમના “મેનેજર” તરીકે ગણાવ્યા છે, જેનાથી સંતો અને ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. સ્વામીએ દાવો કર્યો કે સ્વામિનારાયણે “બ્રહ્મા જેવા અબજો ખડકી દીધા” અને તેત્રીસ કરોડ દેવી-દેવતાઓને “ઝૂમખું” બનાવી તેમની શાખાઓ વધારી, જેમાં દેવતાઓને “છેલ્લી ક્વોલિટીના મેનેજર” તરીકે રજૂ કરીને તેમની ગણના નાની કરવાનો પ્રયાસ કર્યો છે. આ નિવેદનથી હિન્દુ ધર્મની માન્યતાઓ પર પ્રશ્ર્નો ઉભા થયા છે, જેના કારણે મામલો ગરમાયો છે.
- Advertisement -
નિત્યસ્વરૂપદાસે બફાટ બાદ માંગી માફી
સ્વામિનારાયણ સંપ્રદાયના એક પછી એક વિવિધ સાધુના વિવાદિત નિવેદનોથી યેનકેન પ્રકારે નવા નવા વિવાદ સર્જાતા રહે છે, જેનાથી સનાતન ધર્મના અનુયાયીઓમાં રોષ ફેલાયો છે. આવા જ એક સ્વામી નિત્યસ્વરૂપે કરેલા બફાટ બદલ માફી માગી છે. તેણે પોતાનો લૂલો બચાવ કરતાં વીડિયોને એડિટ કરીને રજૂ કરાયો હોવાની વાત કરી, સાથે જ કહ્યું કે, આપણે સૌ એક છીએ. આપણે બધા જ હિન્દુ ધર્મના સંતાનો છીએ, આપણે બધાજ સનાતન ધર્મના છીએ. ગેરસમજ સૌ કોઈથી થઈ શકતી હોય છે ત્યારે વર્ષો જૂની કથા કે કેસેટ ક્યારે રેકોર્ડ થઈ હોય એ એમને પણ ખબર હોતી નથી. તે વાતોને કટિંગ કરીને અને જૂની શોધીને રિલીઝ કરીને લોકોને ખોટે માર્ગે દોરી રહ્યાં છે. તેમ છતાં કોઈ હિન્દુ સંતાનોને તેમજ સનાતન ધર્મના સંતાનોને એ વાતની ઠેસ લાગી હોય તો એ બદલ અમે ક્ષમા ઈચ્છીએ છીએ અને આપણે બધા જ સાથે મળીને હિન્દુ ધર્મને સનાતન ધર્મને આગળ વધારવા માટે પ્રયાસો કરીશું.