કોંગ્રેસના આગેવાનોએ 10 દિવસમાં જવાબ આપવો પડશે
સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા સામે ફોજદારી ફરિયાદ અને બદનક્ષીની નોટિસ
જાહેર જીવનની લાંબી કારકીર્દી દરમિયાન મારા પર એકપણ આક્ષેપ થયો નથી: નીતિન ભારદ્વાજ
ખાસ-ખબર સંવાદદાતા
પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે આજે શહેરનાં પોલીસ કમિશનરને કોંગ્રેસનાં નેતાઓ વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ કરી છે અને બદનક્ષીની નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી. જે. ચાવડાએ રાજકોટ ખાતે સહારા ઈન્ડિયા કંપનીની જમીનનાં હેતુ ફેરબદલનાં નિર્ણય અંગે આક્ષેપો કર્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ સામે 500 કરોડનાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા હતા.
નીતિન ભારદ્વાજે પ્રેસનોટમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા કે તેના જવાબમાં પોલીસ કમિશનરને બદનક્ષીની ફોજદારી ફરિયાદમાં (1) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય, (2) સુખરામભાઈ રાઠવા, (3) શૈલેષભાઈ પરમાર (4) સી. જે. ચાવડા વિ. સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરતાં જણાવેલ હતું કે સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાજકોટ શહેરમાં એક આબરૂદાર તથા પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ, સમગ્ર ગુજરાત રાજ્યમાં અમો ફરીયાદી સમાજના એક નિષ્ઠાવાન આગેવાન છીએ તથા જાહેર જીવનમાં આબરૂદાર તરીકે છાપ ધરાવીએ છીએ તેમજ જાહેર જીવન દરમિયાન અમારી સામે આજસુધી એકપણ આક્ષેપ લાગ્યો ન હોય, જેનાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં તથા રાજકોટ શહેરમાં વસતા લોકોમાં એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરેલ છે.
પ્રેસનોટમાં જણાવાયું હતું કે ફરીયાદી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજકીય તથા પ્રજાના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપતા હોય અને રાજકોટ તથા ગુજરાત માટે હંમેશા કાર્યરત રહેતા હોય, પરંતુ કોંગ્રેસના આગેવાનો એકબીજા સાથે મિલાપીપણું કરી, ગુનાહિત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે દેશ-વિદેશમાં ફરીયાદીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે જેના હિસાબે રાજકીય કારકીર્દી ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે ફરિયાદીની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકસાન થયેલ છે.
- Advertisement -
વધુમાં જણાવાયું હતું કે કોંગ્રેસના આગેવાનો દ્વારા ફરીયાદીની ગરિમા, પ્રતિષ્ઠા અને આબરૂને નુકસાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતના આધાર પુરાવાઓ વિના ‘વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા ગાંધીનગર’વાળા લેટરહેડ મારફત તા. 22-2-2022થી અખબાર યાદીમાં ‘રૂા. 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી અપાયેલ ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ કરો- વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા’ તથા ‘ખાનગી કંપનીઓમાં નાગરીકોના ફસાયેલ નાણાં પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રી સરકાર દાખલ કરો વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર’ તથા ‘સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્ડરો, પૂર્વ મુખ્યમંત્રીશ્રી તથા ભાજપના આગેવાનોની સીબીઆઈ મારફત તપાસ કરાવો, કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડા’ જેવા હેડીંગો હેઠળ ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપર ભ્રષ્ટાચારના તથ્યવિહીન અને તદ્દન ખોટા આક્ષેપો કર્યા છે.


