ખાસ-ખબર સંવાદદાતા
ભાજપના નીતિનભાઈ ભારદ્વાજે સહારાની જમીનમાં હેતુફેર કરવામાં 500 કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કર્યો હતો અને તેના માટે અલગ-અલગ અખબારોમાં આ અંગેની અખબારી યાદી પણ આપી હતી જેથી નીતિનભાઈ ભારદ્વાજે આ આક્ષેપોને ખોટા ગણાવી રાજકોટ પોલીસ કમિશનરને આ અંગે આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી, ઉપરાંત પ્રેસ કોન્ફરન્સથી ખોટા આક્ષેપો કરનારા કોંગી નેતાઓને બદનક્ષીની નોટીસ પણ ફટકારી છે.
- Advertisement -
કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ પરમાર અને સી. જે. ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે સહારા કંપનીની વિવિધ સ્કીમોમાં રોકાયેલ નાણાં અને પ્લોટીંગના નામે ઉઘરાવેલ નાણાં પરત અપાવવા રસ દાખવી કંપનીની જમીન શ્રી સરકાર કરવાને બદલે સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફારમાં ભારતીય જનતા પક્ષના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટના ભાજપના આગેવાન નીતિનભાઈ ભારદ્વાજના આગ્રહના કારણે અંદાજે રૂા. 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો, વધુમાં નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે તાત્કાલિક નિર્ણય કરી આ ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ અને જમીન શ્રી સરકાર કરવી જોઈએ તેમજ રાજકોટના આર. કે. બિલ્ડર્સ, શેઠ બિલ્ડર્સ અને કેટલાક બિલ્ડરો ભાગીદારીથી આ જમીન પડાવવા માંગે છે તેની અને તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલ નિર્ણય અને આ નિર્ણયમાં રાજકોટના ભાજપના આગેવાન નીતિનભાઈ ભારદ્વાજ અને અન્યોની સંડોવણીની ભૂમિકા અંગે સમગ્ર પ્રકરણની સી.બી.આઈ. મારફત તપાસ થવી જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ માગણી કરે છે.
તેના બદલામાં નીતિનભાઈ અને પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને આ આક્ષેપ બદલ નીતિનભાઈએ રાજકોટ પોલીસ કમિશનરને આ અંગે આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત હતી ઉપરાંત કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી. જે. ચાવડાને ખોટા આક્ષેપ કરવા બદલ નીતિનભાઈએ બદનક્ષીની નોટીસ ફટકારી છે.


