જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં નિર્વાણ લાડુ મુદ્દે બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ ચડાવવાના મુદ્દે દર વખતે વિવાદ સર્જાય છે. આ વખતે આગામી તા.રના નિર્વાણ લાડુ ચડાવવાનો કાર્યક્રમ જાહેર થયો છે. આ મુદ્દે આજે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દિગંબર જૈન સંસ્થાઓના પ્રતિનિધિઓ અને દત્તાત્રેય સંસ્થાનના પ્રતિનિધિઓ, સાધુ-સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, દર વખતની જેમ આ વખતે ગિરનારના દત્તાત્રેય શિખર પર લાડુ નહી ચડાવી શકાય, માત્ર નીચે લાડુ ચડાવી ધાર્મિકવિધિ પૂર્ણ કરવાની રહેશે.
- Advertisement -
નિર્વાણ લાડુ મુદ્દે અગાઉ અનેકવાર વિવાદો થયા છે. આ વખતે ફરીવાર નિર્વાણ દિન નિમિત્તે તા. રના લાડુ ચડાવવા માટેનો કાર્યક્રમ નક્કી થયો છે. આ કાર્યક્રમ દરમ્યાન વિવાદ ન થાય તે માટે દર વખતની જેમ કલેક્ટરે બેઠક બોલાવી હતી. કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, દિગંબર જૈન સંસ્થાના પ્રતિનિધિઓ, દત્તાત્રેય સંસ્થાનના પ્રતિનિધિ અને સાધુ-સંતો સહિતના હાજર રહ્યા હતા.
દિગંબર જૈન સંસ્થાના પ્રતિનિધિઓ અને દત્તાત્રેયના પ્રતિનિધિઓને કલેક્ટરે સૂચના આપી હતી કે, દર વખતની જેમ દત્તાત્રેય શિખર પર નિર્વાણ લાડુ ચડાવી શકાશે નહીં. દત્તાત્રેય શિખરે તમામ લોકોને દર્શન કરવા માટે જવાની છૂટ આપવામાં આવી છે. દર્શન દરમ્યાન કોઈપણ જાતના વિવાદ થાય તેવા ઉચ્ચારણો તેવી વિધિ કરી શકાશે નહીં. તા.2 જુલાઈના નિર્વાણ લાડુ કાર્યક્રમ દરમ્યાન કોઈપણ જાતનો વિવાદ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ગિરનારની સીડી અને ભવનાથ વિસ્તારમાં પોલીસના ધાડેધાડાં ઉતારી દેવામાં આવશે. નિર્વાણ લાડુ નિમિત્તે ભગવાન દત્તાત્રેયના મહારાષ્ટ્ર તથા ગુજરાતના સેવકો પણ મોટી સંખ્યામાં તે દિવસે હાજર રહે તેવી પણ શક્યતાઓ છે. મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં આ અંગેની પત્રિકાઓ પણ ફરી રહી છે. બંને પક્ષો વચ્ચે ધર્ષણ ન થાય તે માટે અત્યારથી જ પોલીસ દ્વારા ગુપ્તરાહે વોચ રાખવામાં આવી રહી છે. ધાર્મિક મુદે જો વિવાદ થાય તો તે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ હોવાથી સમગ્ર વહીવટી તંત્ર અને સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગયા છે.