ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા પંથકના હિરણ નદીની કેનાલની સુવિધાવાળા બોરવાવ ગીર, વિરપુર ગીર, પીપળવા ગીર, ગલીયાવડ, તાલાલા ગીર, ગુંદરણ ગીર, ઘુંસિયા ગીર, ધ્રામણવા, ગુણવંતપુર સહિતના નવ ગામોને ઉનાળું ફસલ માટે કમલેશ્વર ડેમમાંથી છ પાણી આપવાનો નિર્ણય થતાં ખેડુતોમાં ખુશી જોવા મળે છે.
ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર એ.પી.કલસરીયાની ઉપસ્થિતિમાં તાલાલા તાલુકા સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે પણ કમલેશ્ર્વર ડેમમાં પુરતાં પ્રમાણમાં પાણીનો જથ્થો હોય, ઉનાળું પિયત માટે ડેમમાંથી છ પાણી આપવા ખેડુત પ્રતિનિધિઓએ માંગણી કરી હતી, જે સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્વીકાર કરી તા.15/02/2023 બાદ ખેડુતોની માંગણી પ્રમાણે ક્રમશ: ઉનાળું ફસલ માટે છ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સાથે હિરણ નદીનું દરીયામાં વહી જતું પાણી સાંગોદ્રા કેનાલમાં ચડાવવાનો સરાહનીય નિર્ણય કરવા બદલ ખેડૂતોએ સિંચાઈ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
નદીનું વધારાનું પાણી કેનાલમાં આવતા બોરવાવ ગીર તથા વિરપુર ગીર બે ગામના પાણીના તળ ઉંચા આવતા ઘઉં, ચણા, ધાણા, લસણ સહિત શિયાળુ ફસલમાં ખુબ જ ફાયદો થયો છે, નદીનું વેડફાતું પાણીનો સદઉપયોગ કરવા બદલ બે ગામના ખેડુતોએ સિંચાઈ વિભાગના અધિકારીઓની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.