શ્રાવણમાં ગિરનાર પર્વત પર શિવમય કથા મહોત્સવ
શ્રાવણ માસે ભક્તિનું પવિત્ર આયોજન: મહંત નર્મદાપુરી માતાજી
26 જુલાઈ શનિવારથી શરૂ થશે અને 3 ઓગસ્ટે શિવમહાપુરાણ પૂર્ણ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ શ્રાવણ માસ, શિવભક્તિ અને તિર્થસ્થિતિઓ માટે અત્યંત પવિત્ર ગણાતા મહિને ગિરનાર પર્વતની તળેટીમાં સ્થિત કાશ્મીરી બાપુ આશ્રમ ખાતે તા. 26 જુલાઈ, શનિવારથી શિવમહાપુરાણ કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થશે. આ નવ દિવસીય કથા શ્રાવણ સુદ નવમિએ એટલે કે તા. 3 ઓગસ્ટે પુર્ણ થશે. અખંડ શ્રાવણ માસની પૂજ્યતા અને ગિરનાર ક્ષેત્રનું પવિત્રત્વ એકસાથે ભેગું થતાં ભક્તોને આધ્યાત્મિક પ્રસન્નતા અને શિવમય બનવાનો અવિરત અવસર મળશે. આ કથા ભગવાન દાતારેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં યોજાશે.
આશ્રમની પૃષ્ઠભૂમિ અને આધ્યાત્મિક ચેતના
આ કથા ભવનાથ તળેટીથી અંદાજે બે કિલોમીટર અંતરે આવેલા આમકુ બીટમાં આવેલા કાશ્મીરી બાપુ આશ્રમમાં યોજાશે. વર્ષો પહેલા કૈલાસવાસી સંત શિરોમણિ ગુરૂ મહારાજ કાશ્મીરી બાપુએ અહીં અલખ જ્યોત જગાવી હતી અને પવિત્ર તપોભૂમિ બનાવેલી. આજે પણ તેમની ચેતનાની ઉજાસ ભક્તો અનુભવે છે. મહંતશ્રી 1008 નર્મદાપુરી માતાજી દ્વારા તેમની પરંપરા અને તેજસ્વિતા આગળ વધારવામાં આવી રહી છે. તેઓ અહીં આવેલ અન્નક્ષેત્રની સેવાઓ દ્વારા પ્રસાદ અને સેવા યજ્ઞ ચલાવે છે, જે નિયમિતતા અને શ્રદ્ધાનો જીવંત દાખલો છે.
શિવમહાપુરાણના આશય શ્રાવણમાં શિવ ભક્તિ
આ કથા બપોરે 3 થી 6 અને સવારે 9 થી 12 દરમિયાન રાખવામાં આવશે. કથાના વ્યાસપીઠે આચાર્ય નિકુંજભાઈ ત્રિવેદી ભાદરવા આશ્રમના મહારાજ આવશે. તેઓ શિવમહાપુરાણનાં છં ખંડો અને 24 હજાર શ્લોકોમાં દર્શાવાયેલા ભક્તિ, સાધના અને ઉપાસના રહસ્યોના મર્મ ભાવિકોને સમજાવશે શિવમહાપુરાણ એ અઢાર પુરાણોમાં શિરમોર માનવામાં આવે છે. તેમાં શિવના ઐશ્વર્ય, તપશ્ચર્યા, ભક્તિવેદ, ઋષિ-મુનિઓના સંવાદ અને ઉપાસનાની પદ્ધતિઓ વિશદ રીતે દર્શાવવામાં આવેલી છે.
- Advertisement -
માતાજી તરફથી ભાવિકોને હાર્દિક આમંત્રણ
મહંતશ્રી 1008 નર્મદાપુરી માતાજી દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે શિવમહાપુરાણ કથાનો આરંભ કરવામાં આવે છે. તેઓએ જણાવ્યું કે શિવમય તત્વ માત્ર ધર્મ નહિ પણ વિશ્વ ચેતનાનું બીજરૂપ છે. ભક્તોનો પરમાર્થ, શાંતિ અને ભવસાગરથી મુક્તિ માટે ભગવાન શિવનું સ્મરણ શ્રાવણ માસે અગત્યનું ગણાય છે.
શ્રાવણ આધ્યાત્મિક પવિત્રતા માટે ઉત્તમ અવસર
આ કથા માત્ર ધાર્મિક નહિ પણ જીવનશૈલી બદલાવાનો અવસર છે. ગિરનાર પર્વતની છત્રછાયામાં થતી આ કથા આશ્રમના શુદ્ધ વાતાવરણમાં ભક્તોને આત્મિક ઊર્જા, શાંત ચિત્ત અને આધ્યાત્મિક અનુભવ આપશે. મહંતશ્રી નર્મદાપુરી માતાજી તેમજ સેવા મંડળ દ્વારા સમગ્ર ગુજરાત અને ભારતમાંથી આવનારા શ્રદ્ધાળુઓને આ કથામાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.