જીવદયા પ્રેમીઓએ બચાવવા પ્રયાસ કર્યો પણ બચાવી ન શક્યાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
લખતરના નજીક નર્મદા કેનાલમાં પડવાથી સીડયુલ ટુ મા ગણાતા નીલગાયનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાંથી લખતર તાલુકામાંથી નર્મદાની મુખ્ય નહેર પસાર થાય છે, ત્યારે આ કેનાલમાં આજે લખતર તાલુકાના કડુ ગામ નજીકથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમા સિડ્યુલ ટુ મા ગણાતી નીલગાય કેનાલમા પડી હતી.
- Advertisement -
નર્મદા કેનાલમાં નીલગાય પડી હોવાનું રાહદારીને ધ્યાને આવતા તેઓએ ગામમાં જાણ કરી હતી. જેથી ગામના જીવદયા પ્રેમીઓ તત્કાલિક કેનાલ પર પહોંચી ગયા હતા અને કેનાલના પાણીમાં પડેલી નીલગાયને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. પણ કેનાલમા પાણીનું પ્રમાણ વધારે હોય જીવદયાપ્રેમીઓ દ્વારા નીલગાયને બચાવવાના અથાગ પ્રયત્નો કરવા છતાં નીલગાય પાણીના પ્રવાહમાં ગરકાવ થઇ ગઇ હતી. નીલગાય જેવા જીવો પાણી પીવા માટે કેનાલ નજીક આવતા હોય છે, અને પગ લપસતાં કેનાલમાં પડી જતાં હોય છે. થોડા સમય અગાઉ લખતર તાલુકામાં કેનાલમાં પડેલી બે નીલગાયોમાંથી એક નીલગાયનું મોત નીપજ્યું હતું, જયારે એક નીલગાયને જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવી લેવામાં આવી હતી.