નિંદ્રાધીન વૃદ્ધને માર મારી બેભાન કરી 40 તોલા સોનું મળી રૂા. 20.88 લાખની લૂંટ
પોલીસે બે શખ્સની અટક કરી: વૃદ્ધને માર મારતાં 4 દાંત પડી ગયા: સારવારમાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં મજેવડી ગામે રાત્રિનાં એકલા સુતા વૃદ્ધને બે શખ્સોએ માર મારી બેભાન કરી દીધા હતા, બાદ રોકડ રકમ, 40 તોલા સોનાના દાગીના અને ચાંદી મળી રૂપિયા 20,88,500ની લૂંટ અને ચોરી કરી ગયા હતા. બે શખ્સોએ વૃદ્ધને માર મારતાં ચાર દાંત પડી ગયા હતા. જો કે આ ઘટના બાદ પોલીસે બે શખ્સની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં મજેવડી ગામે રહેતાં સવજીભાઈ ગોકળભાઈ મકવાણા (ઉ.વ.70) એકલા રહે છે. તેમના બે પુત્ર તેમનાથી જુદા રહે છે. તા. 8 ફેબ્રુઆરી 2022ના રાત્રિનાં સવજીભાઈ ટીવી જોઈ રાત્રે 10 વાગ્યે સુઈ ગયા હતા. રાત્રિના લાઈટ ચાલુ રાખી સુતા હતા. મોડી રાત્રિના સવજીભાઈ ઉપર બે શખ્સ આવી બેસી ગયા અને વૃદ્ધને મોઢા પર માર માર્યો હતો. આ બંને મજેવડીનાં રાહુલ રમેશભાઈ અને ભરત પ્રેમજીભાઈ હતા. બંને શખ્સે વૃદ્ધને પકડી રાખી ખિસ્સામાંથી 28 હજાર રૂપિયા રોકડા કાઢી લીધા હતા. વૃદ્ધે રાડારાડી કરતાં મોંમાં ડુચો દઈ દીધો હતો જેના કારણે વૃદ્ધ બેભાન થઈ ગયા હતા. બંને શખ્સ દરવાજો બંધ કરી જતા રહ્યા હતા. સવારે સાડા સાત વાગ્યે પાડોશીએ આવી બહાર કાઢ્યા હતા. બાજુમાં રૂમનું તાળુ ખુલ્લું હતું. અંદર જઈ જોયું તો અંદર રાખેલી પતરાંની પેટીનો સામાન વેરવિખેર હતો. પેટીમાં રાખેલા 8.50 લાખ, 40 તોલા સોનાના દાગીના, 200 ગ્રામ ચાંદીની ચોરી કરી ગયા હતા આમ મજેવડીના વૃદ્ધને બે શખ્સ માર મારી બેભાન કરી રૂપિયા 20,88,500નો મુદામાલ ચોરી અને લૂંટ કરી ગયા હતા. આ અંગે વૃદ્ધે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ બાદ પોલીસે બે શખ્સની અટક કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ પી.આઈ. એ. એમ. ગોહીલ કરી રહ્યા છે.
ચોરી અને લૂંટની રકમને લઈ તપાસ થશે
હાલ વૃદ્ધનાં કહેવા પ્રમાણે રૂપિયા 20,88,500ની ચોરી અને લૂંટની ફરિયાદ નોંધી છે પરંતુ રકમ મોટી હોય પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે ખરેખર રકમ આટલી મોટી છે કે નહીં?
- Advertisement -
પકડાયેલ બે શખ્સની ઓળખપરેડ થશે
પી.આઈ. એ. એમ. ગોહીલે કહ્યું હતું કે હાલ બે શખ્સને હસ્તગત કર્યા છે. આજે તેની ઓળખપરેડ કરવામાં આવશે. બાદ જ આ વ્યક્તિઓ ચોરી અને લૂંટમાં હતા કે નહીં તે જાણી શકાય.
રકમ મુજબ અન્ય લોકો હોવાની પણ શંકા
મજેવડી ગામે થયેલી લૂંટમાં હાલ ફરિયાદીએ બે શખ્સનાં નામ લખાવ્યા છે, પરંતુ ચોરી અને લૂંટની રકમ જોયા તેમજ ઘટના મુજબ અન્ય શખ્સો પણ હોવાની શંકા સેવાઈ રહી છે.
વૃદ્ધ ભાગિયુ રાખતા, હાલ નિવૃત્ત છે
સવજીભાઈ મકવાણા એકલા રહે છે. તેઓ ભાગિયા રાખતા હતા. હાલ તેઓ નિવૃત્ત છે અને સંતાનમાં બે દીકરા છે તે જુદા રહે છે.
સોનાની કઈ-કઈ વસ્તુ ચોરાઈ
વૃદ્ધના ઘરમાંથી સોનાનો રજવાડી હાર, સંતારી હાર, હાસળી હાર, બાજુબંધ, છ બંગડી, બે પાટલા, બે જોડી કાનનાં કાપ, કાનની સર જોડી, સોનાનો ચેન, લકી, સોનાની વીંટીની ચોરી થઈ છે.