કેન્દ્ર સરકારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાયવેટ સેક્રેટરી તરીકે નિધિ તિવારી(IFS 2014)ની નિમણૂક કરી છે. ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ(DoPT) દ્વારા જારી આદેશ અનુસાર, કેબિનેટ કમિટીની મંજૂરી મળતાં તાત્કાલિક ધોરણે નિધિ તિવારી આજથી જ વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળશે.
આઇએફએસ ઑફિસર નિધિ તિવારી હાલ પીએમઓ(પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ હવે વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે લેવલ 12ના પે મેટ્રિક્સ પર કાર્યભાર સંભાળશે.
- Advertisement -
કોણ છે નિધિ તિવારી
2014ની બેન્ચના ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) ઑફિસર નિધિ તિવારી 6 જાન્યુઆરી, 2023થી પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. તે પહેલાં તે વિદેશ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતો ક્ષેત્રે કામગીરી કરી રહ્યા હતા. 2022માં તે અંડર સેક્રેટરી તરીકે જોડાયા હતા. વારાણસીના મેહમુરગંજ નિવાસી તિવારીએ 2013માં સિવિલ સર્વિસ પરીક્ષામાં 96મો રેન્ક હાંસલ કર્યો હતો. યુપીએસસી પાસ કર્યા પહેલાં તે વારાણસીમાં કોમર્શિયલ ટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. નિધિ તિવારી વિદેશી બાબતો, એટોમિક એનર્જી, સુરક્ષા બાબતો, સહિતના ક્ષેત્રોમાં નિપુણતા અને અનુભવ ધરાવે છે.
- Advertisement -
વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે નિધિ PMના કાર્યક્રમોનું સંકલન, બેઠકોનું આયોજન અને સરકારી વિભાગો સાથે સંપર્ક સંબંધિત કામકાજ પર દેખરેખ રાખશે. નિધિની નિમણૂકની જાહેરાત પહેલાં વડાપ્રધાનના બે પ્રાયવેટ સેક્રેટરી વિવેક કુમાર અને હાર્દિક શાહ હતા.