-રોપવે પાસે તિરાડો બૂરી દેવાઇ હતી પરંતુ ત્યાં કોઇ ફરક ન પડયો, ફરી તિરાડો દેખાઇ: રિપોર્ટ સરકારને મોકલાશે
જમીન ઘસવાથી જોશીમઠમાં પડેલી તિરાડો અડધો કિલોમીટર લાંબી અને બે મીટર પહોળી હોવાને એકસપર્ટના રિપોર્ટમાં ખુલાસો થયો છે. રોપવે પાસે તિરાડો બૂરવામાં આવી હતી પણ તેમાં કોઇ ફરક પડયો નથી. આગામી ચોમાસાનો વરસાદ જોશીમઠનું ભાવિ નક્કી કરશે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે.
- Advertisement -
રાજ્ય સંચાલિત શ્રી દેવ સુમન ઉત્તરાખંડ યુનિવર્સિટીના ત્રણ એક્સપર્ટની સમિતિ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ સર્વેસમાં જાણવા મળ્યું છે કે, જોશીમઠમાં ‘2 મીટર પહોળી અને અડધો કિમી લાંબી તિરાડો છો’. સરકારી અધિકારીઓએ તિરાડોના પરિમાણોને જાહેર કર્યા હોય તેવું આ પહેલીવાર થયું છે, જેનાથી વિસ્તારની આંતરિક નિર્બળતા છતી થાય છે.
‘જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા’ માટે યુનિવર્સિટી દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી અને એક્સપર્ટે 25થી 28 જાન્યુઆરીની વચ્ચે તિરાડો અંગે સ્ટડી કર્યું હતું. પેનલના સભ્યોએ મંગળવારે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એમએસ રાવતને રિપોર્ટ સોંપ્યો હતો. હવે, તેને ઉત્તરાખંડ સરકારને મોકલવામાં આવશે. પેનલમાં જીયોગ્રાફીના પ્રોફેસર ડીસી ગોસ્વામી, જીયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્રિષ્ના ગોસ્વામી અને અરવિંદ ભટ્ટનો સમાવેશ થાય છે.
‘મનોહર બાગમા તિરાડો બે મીટર જેટલી પહોળી હતી, જે એક વ્યક્તિ આરામથી ઊભો રહી શકે તેટલી હતી અને ખુલ્લા વિસ્તારોમાં 300 મીટર સુધી તેમજ જ્યાં બાંધકામો છે ત્યાં અડધા કિમી સુધી ફેલાયેલી હતી’, તેમ પેનલના અન્ય સભ્ય શ્રીકૃષ્ણ નોટિયાલે કહ્યું હતું, જેઓ જીયોલોજિસ્ટ છે. ‘આ સ્થળ જોશીમઠ શહેરની મધ્યમાં રોપવેની નજીક છે. તેને પૂરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે અમે સ્થળની તપાસ કરી ત્યારે તિરાડો ફરી દેખાઈ હતી’.
- Advertisement -
કેટલાક તારણો શેર કરતાં, સમિતિના સભ્યોએ કહ્યું હતું કે ‘એનટીપીસીના ટનલ બોરિંગ મશીન સહિત કુદરતી અને માનવજનિત દબાણના કારણે મોટી માત્રામાં પાણી લિકેજ થયું હતું’. એનટીપીસીએ આ સંકટની સ્થિતિમાં પોતાની ભૂમિકાને નકારી કાઢી હતી. પેનલે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસાનો વરસાદ જોશીમઠના ભવિષ્યને નિર્ધારિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.