ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
ભેસાણથી છોડવડીને જોડતા મુખ્ય માર્ગ પર નવનિર્મિત નાળાનો પુલ ભારે વરસાદમાં ધોવાઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ 12 દિવસ પહેલાં જ લાખોના ખર્ચે બનેલા આ પુલના નબળા કામની પોલ ખુલી ગઈ છે. પુલ ધોવાઈ જતાં બંને ગામો વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાણપરિયાએ આ ઘટનાને મોટો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તેમણે આક્ષેપ કર્યો કે, મુરલીધર એજન્સી નામની આ કોન્ટ્રાક્ટર કંપની ભાજપના એક નેતાની છે, જેના કારણે અધિકારીઓ દ્વારા કામનું યોગ્ય સુપરવિઝન થતું નથી. પુલ બનાવવામાં સિમેન્ટના ભૂંગળાનો ઉપયોગ થયો હતો, પરંતુ નબળી ગુણવત્તાને કારણે તે વરસાદી પાણીથી ધોવાઈ ગયો છે. નીતિન રાણપરિયાએ માંગ કરી છે કે, આવા નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે જણાવ્યું કે, ભેસાણ તાલુકામાં અનેક જગ્યાએ આવા નબળા કામો થયા છે. રાણપુરથી ખંભાળિયા જવાના માર્ગ પર પણ આવો જ એક પુલિયો ધોવાઈ ગયો છે. કોંગ્રેસ પ્રમુખે તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તો શરૂ કરી ફરીથી ગુણવત્તાયુક્ત કામ થાય તેવી માંગ કરી છે, જેથી ગ્રામજનોને વારંવાર મુશ્કેલી ન વેઠવી પડે. હાલમાં, તંત્ર દ્વારા જેસીબીથી પથ્થર અને માટી નાખીને કામચલાઉ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે.