કોલસાની ખાણો પર તંત્ર મહેરબાન તો પછી ખનિજ માફિયા પહેલવાન જેવો ઘાટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો છેલ્લા ત્રણેક દશકાથી ચાલી રહી છે. એકાદ બે અધિકારીઓને બાદ કરતા હજુસુધી કોઈ માયકલાલ અધિકારી આવ્યો નથી જેઓ સદંતર કોલસાની ગેરકાયદે ખાણો બંધ કરાવી શકે. જોકે અગાઉ નીરવ બારોટ જેવા ભૂસ્તરશાસ્ત્રી આવ્યા હતા જેઓને પણ અંતે આ રાજીનામું ધરી દેવું પડ્યું હતું હવે નીરવ બારોટ જેવા અર્ધ પ્રમાણિક અધિકારીએ રાજીનામુ ધર્યું તેનું ખરેખર કારણ પારિવારિક હતું, કે પછી અહીં પ્રામાણિકતાની સજા ? તે માત્ર નીરવ બારોટ જ જણાવી શકે પરંતુ તે બાદ જે સમય આવ્યો તેમાં મોરબીના જાંબાઝ ગણાતા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વધીને સુરેન્દ્રનગર જિલ્લાનો ચાર્જ સોંપાયો હતો. જોકે સુરેન્દ્રનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી તરીકેનનો ચાર્જ સોંપતા પહેલા ઉચ્ચાધિકારીઓએ એટલું ન વિચાર્યું કે જગદીશ વાઢેર મોરબી જિલ્લામાં રહીને હળવદ પંથકમાં ચાલતી રેતી પર કેટલા અંશે અંકુશ લાવી શકાય છે ? છતાં પણ ચાર્જ સોંપાયો ત્યારે થોડા સમય માટે ચાર્જમાં આવેલા ભૂસ્તરશાસ્ત્રી એ સપાટો બોલાવ્યો હતો અને આ સપાટો બોલાવ્યો ત્યારે સરકારી સાથે પોતાની તિજોરીને મોટો આર્થિક ફાયદો થયો છે. જ્યારે વર્તમાન સમયમાં થાનગઢ ખાતે ભાડુલા, તરણેતર, જામવાડી, સોનગઢ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે કોલસાની ખાણ ધમધમી રહી છે પરંતુ આ ધમધમતી ખાણો ખાણ ખનિજ વિભાગને નારી આખે દેખાઈ નથી. ખનિજ વિભાગની આ અદૃશ્ય કામગીરીને લીધે જ કદાચ એકસાથે ખાણ ખનિજ વિભાગના અનેક કર્મચારીઓની સામૂહિક બદલીઓ થઈ હશે પરંતુ જે બાદ નવા કર્મચારીઓ પણ કોલસાના કાળા રંગે રંગાયા હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.