18 જાન્યુઆરીથી વન-ડે શ્રેણી રમાયા બાદ 27 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી-20 શ્રેણી શરૂ થશે: શ્રેણીની અંતિમ ટી-20 અમદાવાદમાં રમાશે
ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન બાદ ભારતના પ્રવાસે આવશે. અહીં બન્ને વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે. પ્રવાસની શરૂઆત 18 જાન્યુઆરીએ વન-ડે શ્રેણીથી થશે. 27 જાન્યુઆરીએ રાંચીમાં પહેલી ટી-20 રમાશે. ટી-20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડે પોતાની 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં કેન વિલિયમસનમાં જગ્યા મળી નથી.
- Advertisement -
ભારત વિરુદ્ધ ટી-20 શ્રેણીમાં મિશેલ સેન્ટનર કિવિ ટીમની કેપ્ટનશિપ કરશે. કેન વિલિયમસન અને ટીમ સાઉધી પાકિસ્તાન પ્રવાસ બાદ ન્યુઝીલેન્ડ પરત ફરી જશે. ભારત વિરુદ્ધ વન-ડે શ્રેણીમાં પણ આ બન્ને ખેલાડીઓ ટીમનો હિસ્સો નથી. વન-ડે માટે થોડા સમય પહેલાં જાહેર થયેલી ટીમની કમાન ટૉમ લાથમના હાથમાં છે. આ ટીમમાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ નથી. ન્યુઝીલેન્ડ ભારત વિરુદ્ધ શ્રેણી બાદ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. આ જ કારણથી અનેક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
ન્યુઝીલેન્ડે ટી-20 ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓને જગ્યા આપી છે જેમાં બેન લિસ્ટર અને હેનરી શિપલીનું નામ સામેલ છે. શિપલીએ પાકિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી વન-ડે શ્રેણીમાં ડેબ્યુ કર્યું હતું. 27 વર્ષીય ફાસ્ટ બોલર લિસ્ટરના નામે 39 ટી-20 મેચમાં 40 વિકેટ છે. તેણે પાછલા વર્ષે ન્યુઝીલેન્ડ ‘એ’ માટે ભારત પ્રવાસે ડેબ્યુ કર્યું હતું. પાછલી સીઝનમાં તેને ઑકલેન્ડનો બોલર ઑફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીની પહેલી મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. આ પછી બીજી ટી-20 જાન્યુઆરીએ લખનૌમાં તો ત્રીજી ટી-20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.
- Advertisement -
ટી-20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડ ટીમ મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલેન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, ડેવોન કૉનવે, જૈકબ ડફી, લૉકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રિપન, હેનરી શિપલી, ઈશ સોઢી, બ્લેયર ટિકનરને સામેલ કરવામાં આવ્યા છે.