ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વર્ષ 2023 ને આવકારવા રાતી દેવળી શાળાના પટાંગણમાં રાત્રે સંકટ મોચન હનુમાનજી મહારાજની આરાધના માટે સુંદર કાંડ અને હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કંઈક જુદી રીતે કરતા હોય છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાના ભાગરૂપે આ અનોખું આયોજન કર્યું હતું જેમાં વાંકાનેર સ્ટેટના કેસરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને મોરબી મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા અને મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીના અતિથિ વિશેષ પદે નૂતન વર્ષની વધામણીનો કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
કાર્યક્રમની શરૂઆતમાં દેશના વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વાગત પ્રવચન બાદ 101 દિપનું પ્રજ્વવલન કરવામાં આવ્યું હતું અને મહાનુભવોનું સાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ શૈક્ષિક મહાસંઘની આ સુંદર પ્રવૃત્તિને હિન્દૂ સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યક્રમ કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા ત્યારબાદ સંગીતકારો દ્વારા સુંદરકાંડનું સુંદર પઠન કરાવવામાં આવ્યું હતું. આ સુંદરકાંડ પઠનમાં મંગુભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, યુવરાજસિંહ વાળા પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.