ખાસ-ખબર સંવાદદાતા
ભરચોમાસે આજથી આજી-1 ડેમમાં સૌની યોજના દ્વારા નર્મદાનાં નીરનું આગમન થશે. ધોળીધજા પમ્પિંગ સેન્ટરેથી 150 ક્યૂસેકના પંપથી પાણી છોડાયા બાદ બુધવારે ત્રંબા-કાળીપાટના ચેકડેમ ભરાયા બાદ નર્મદાનાં નીર આજી-1 ડેમમાં પહોંચશે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 84 ડેમ પૈકી 51 જળાશય પર મેઘમલ્હાર જોવા મળ્યો હતો, તો 21 ડેમમાં નવાં નીરની આવક નોંધાઇ હતી.
વરસાદ ખેંચાતા રાજકોટના આજી-1 માટે નર્મદામાંથી 180 એમસીએફટી પાણીની માગણી કરવામાં આવી હતી, જે પાણી હવે ભરચોમાસે ઠલવાવા જઇ રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના વેણુ-2માં 0.93, આજી-3માં 0.10, લાલપરીમાં 0.2, કરમાળમાં 0.6, ભાદર-2માં 0.82, મોરબી જિલ્લાના મચ્છુ-3માં 0.33 મીમી વરસાદ નોંધાયો હોવાનું કંટ્રોલરૂમે જણાવ્યું હતું.