ગાંધીનગરમાં આર્મ્સ યુનિટના વડા તરીકે ફરજ બજાવતા હતા
છત્તીસગઢમાં ઈછઙઋના કોબ્રા કમાન્ડોના વડા તરીકે પણ જવાબદારી વહન કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
આખરે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટને કાયમી પોલીસ કમિશનર મળ્યા. બહુ ચર્ચિત કમિશનકાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ હવે રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ તે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે ગઈકાલે ગૃહ વિભાગે નવા પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. વર્ષ 1995 બેચના આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવને શહેરની સોંપવામાં આવી છે જેઓ આવતીકાલે પોતાનો ચાર્જ સંભાળે તેવી પૂરી શક્યતા છે.
- Advertisement -
સિનિયર આઈપીએસ અધિકારી આ પહેલાં પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત પોલીસ ભવન ખાતે લો એન્ડ ઑર્ડર વિભાગમાં ડીઆઈજી તરીકે તેમણે પ્રશંસનીય કામગીરી કરી છે. રાજુ ભાર્ગવને 2013માં કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન તરીકે મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારમાંથી પરત ફર્યા બાદ તેમનું પોસ્ટીંગ બાકી હોવાથી તેઓ આર્મ્ડ યુનિટમાં એડીજીપી તરીકે સેવા આપી રહ્યા હતા. કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન વખતે તેમને સીઆરપીએફમાં ડીઆઈજી તરીકે નિયુક્તિ અપાઈ હતી અને તે દરમિયાન જ તેમણે ફોર્સમાં આઈજી તરીકે પ્રમોશન પણ મેળવ્યું હતું. આ દરમિયાન તેઓ નક્સલવાદીઓથી અત્યંત પ્રભાવિત ગણાતાં એવા છત્તીસગઢમાં સીઆરપીએફના કોબ્રા કમાન્ડોના વડા તરીકે પણ જવાબદારી વહન કરી હતી. કેન્દ્રમાંથી ગુજરાત પરત ફર્યા બાદ તેમને એડિશનલ ડીજીનું પ્રમોશન આપવામાં આવ્યું હતું.