વરિષ્ઠ પત્રકાર હિરેન ભટ્ટે ન્યૂ મીડિયાના ઉપયોગ પર આપ્યું વક્તવ્ય
મયૂર ખાવડુ અને યુવા સર્જકો સાથેના રોચક સંવાદે સૌને જકડી રાખ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આંગણે ગુજરાત પ્રેસ અકાદમી – ગાંધીનગર, પ્રાદેશિક માહિતી કચેરી – રાજકોટ અને જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ’ન્યૂ મીડિયા એઝ ન્યૂઝ મીડિયા’ અને ’સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ પ્રેસ અકાદમીના સચિ જયેશ દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વરિષ્ઠ પત્રકાર હિરેન ભટ્ટે આજના મોબાઇલ અને સોશિયલ મીડિયાના યુગમાં સકારાત્મકતા અને નકારાત્મકતાના મહત્વ પર સદ્રષ્ટાંત પ્રકાશ પાડતા જણાવ્યું કે સકારાત્મકતા વ્યક્તિને પ્રગતિ તરફ દોરી જાય છે, જ્યારે નકારાત્મકતા અંધકાર તરફ ધકેલે છે.
- Advertisement -
પાંચ કરોડ મોબાઇલ સબ્સ્ક્રાઇબરથી શરૂ થયેલી યાત્રા આજે 120 કરોડથી પણ વધુ પહોંચી ગઈ છે. તેની સરખામણીમાં, આજે અખબારોનું સર્ક્યુલેશન આશરે 40 લાખ જેટલું છે.
‘સર્જક સાથે સંવાદ’માં દિલ્હી સાહિત્ય અકાદમીના યુવા પુરસ્કાર વિજેતા સર્જક અને નિબંધકાર મયૂર ખાવડુએ સાહિત્ય સર્જનના અનુભવો અને પ્રક્રિયા વિશે જણાવતા કહ્યું કે, જોવું અને અનુભવવું અને તેને શબ્દના ચાકડે ચડાવવું, તે જ સર્જન છે. આ સાથે સતત વાંચવું, નિરીક્ષણ કરવું અને સાહિત્ય મર્મીઓની સોબત કરવી તે જ સર્જનને બળકટ બનાવે છે. આ કાર્યક્રમમાં સાહિત્ય અને પત્રકારત્વના સંયોગને ઉજાગર કરવાના હેતુસર સહાયક માહિતી નિયામક પ્રિયંકા પરમારે દેશની સૌ પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાઈ વ્યારાવાલા, માહિતી મદદનીશ ગૌરાંગભાઈ જોશીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને જયભાઈ મિશ્રાએ ફૂલછાબ દૈનિકના સ્થાપક અમૃતલાલ શેઠની ભૂમિકા ભજવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.