4 મહિનાની કામગીરી બાદ 35 લાખના ખર્ચે બની તૈયાર, હવે નહીં ભરવો પડે લાંબો ચક્કર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ દરરોજ હજારો દર્દીઓ અને તેમના સગાં માટે આશાનો કિલ્લો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર (મેઇન ગેઇટ)ની નવીનીકરણ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન દર્દીઓ અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને જામનગર રોડ તરફના પાંજરાપોળ રોડના ગેઇટ તરફથી પ્રવેશ આપવામાં આવતો હતો. હવે અંદાજે 35 લાખ રૂપિયાનું કામ પૂર્ણ થતા મુખ્ય ગેઇટ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ગેઇટ સિવિલ ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ જતા રોડ પર, એસબીઆઇ બેંક સામે આવેલો છે.
- Advertisement -
ગયા ચાર મહિનાથી આ ગેઇટ બંધ હતો અને તેના બાંધકામથી દર્દીઓને અસ્વીકાર્ય અસુવિધાઓ ભોગવવી પડતી હતી. ખાસ કરીને ચાલતા-ફરતા દર્દીઓ માટે સિવિલ ચોકમાં આવેલું જૂનુ પાદયાત્રી પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યું હતું, જ્યારે વાહનો અને 108 એમ્બ્યુલન્સ માટે જામનગર રોડ તરફથી પ્રવેશ આપવો પડતો હતો. હવે આ નવી સુવિધા શરૂ થતાં, દર્દીઓ અને તેમના પરિવારજનો માટે હોસ્પિટલ સુધી સીધો અને સરળ માર્ગ સુલભ બનશે. હોસ્પિટલ કેમ્પસના બંને પ્રવેશદ્વારો અને આંતરિક રસ્તાઓ માટે ટેન્ડર બહાર પાડી કામગીરી સોંપવામાં આવી હતી. પહેલા તબક્કામાં જામનગર રોડ તરફનો પ્રવેશદ્વાર તૈયાર થયો હતો અને હવે મુખ્ય ગેઇટ પણ કાર્યરત થવાથી સમગ્ર વાહન વ્યવહાર અને પદયાત્રીઓ માટે વ્યવસ્થિત પ્રવેશ વ્યવસ્થા ઉભી થઈ છે. નવો ગેઇટ શરૂ થતા હોસ્પિટલમાં આવતા દર્દીઓને હવે લાંસો ચક્કર લગાવવાની ફરજ નહીં રહે અને તેમને સમયસપ્ત તથા આરામદાયક પ્રવેશ મળશે, જેને લઈ દર્દીઓ અને તેમના સગાઓમાં રાહતનો શ્વાસ અનુભવાયો છે.