ટ્રક ઓવરલોડ હોય તો 10 ગણા દંડ સહિતની જોગવાઇ
ખાસ-ખબર સંવાદદાતા
હાઇવે પર ટોલટેક્સની વસુલાત પધ્ધતિમાં વધુ એક બદલાવની તૈયારી શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે એક્સલ લોડના બદલે ટ્રકમાં લદાયેલા વજનના આધારે ટેક્સ ચુકવણી કરવી પડશે.
હાઇવે પર માલવાહક વાહનોમાં ઓવરલોડિંગ પર બ્રેક મારવા માટે આ દિશામાં વિચારણા શરુ કરવામાં આવી છે. ઓવર લોડિંગને કારણે વર્ષે 15 થી 20 ટકા માર્ગ અકસ્માતો થતાં હોય છે એટલું જ નહીં. માર્ગો પણ તૂટી જતા હોવાથી વારંવાર રીપેરીંગ સાથે મોટો ખર્ચ કરવા પડે છે. પરિવહન તથા પ્રવાસન સંબંધિત સંસદીય સ્ટેન્ડિંગ કમીટી દ્વારા રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ટોલ ટેક્સ વસુલી પધ્ધતિ બદલવાની ભલામણ કરવામાં આવી છે. ઓવરલોડેડ માલવાહક વાહનો પર દંડ ઝીંકવાનો અધિકાર પણ ટોલટેક્સની વસુલાત કરતી કંપનીઓને સોંપવા સૂચવવામાં આવ્યું છે. નિયત કરતાં વધુ વજનના કિસ્સામાં 10 ગણા દંડની જોગવાઇ રાખવાની ભલામણ છે.
આ ઉપરાંત નિયત વજન કરતાં વધુ માલ ખાલી કરાવાયા બાદ જ વાહનને આગળ જવા દેવા, ટ્રક જપ્ત કરવા, ચાલક સામે ફોજદારી ગુનો દાખલ કરવા જેવા સૂચનો પણ કરવામાં આવ્યા છે. ઓવરલોડિંગની સમસ્યા દૂર કરવા માટે ટ્રકમાં વજન આધારિત ટોલટેક્સ વસુલી સહિતના નિયમોની આ નવી સૂચિત ફોમ્ર્યુલથી ટ્રાન્સપોર્ટરોમાં મોટો ઉહાપોહ થઇ શકે છે. ભારતમાં 850 થી વધુ ટોલપ્લાઝા છે જેમાં વે-ઇન-મોશન સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. જેના આધારે ટ્રકનું એકસલ લોડ, ટ્રકનું વજન, નંબર, સ્પીડ વગેરેની જાણ ઓટોમેટીક થઇ જશે.