એન્ક્રિપ્ટેડ એપ્સ વડે ચેટ કરતી
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેના વિરુદ્ધ નવા પુરાવાઓ બહાર આવ્યા છે. મલ્હોત્રા કથિત રીતે અનેક પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતી અને તેના સંબંધો ગુપ્ત રાખવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરતી હતી. હરિયાણા પોલીસે જણાવ્યું કે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે સ્નેપચેટ, ટેલિગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કર્યો છે.
- Advertisement -
અધિકારીઓએ જણાવ્યું હતું કે જાસૂસી સામે ડિજિટલ શંકાસ્પદ પુરાવા છે. “તેના સોશિયલ મીડિયા વીડિયો ફક્ત એક કવર હતા. તેણીએ અનેક ડિજિટલ ઉપકરણો જાળવી રાખ્યા હતા અને નિયમિતપણે પાકિસ્તાની એજન્ટો સાથે સંપર્કમાં રહેવા માટે એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આ માટે ડિજિટલ પુરાવા મળી આવ્યા છે,” સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે.
હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે સ્નેપચેટ, ટેલિગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મીડિયા બ્રીફિંગમાં, હિસારના પોલીસ અધિક્ષક (SP) શશાંક કુમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તપાસમાં મદદ કરી રહી છે.
મલ્હોત્રાનો પાકિસ્તાન દૂતાવાસના અધિકારી સાથે સંબંધ
- Advertisement -
હરિયાણાના હિસારની રહેવાસી મલ્હોત્રાનો પરિચય સૌપ્રથમ હરિયાણા શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (SGMC)ના કર્મચારી હરકીરત સિંહ દ્વારા પાકિસ્તાની દૂતાવાસના અધિકારી ડેનિશ સાથે થયો હતો. સિંહે કથિત રીતે બે વાર વિઝા મેળવવામાં મદદ કરી હતી અને તેણીને શીખોના જૂથ સાથે પાકિસ્તાન મોકલી હતી. ભારતીય શીખો નિયમિતપણે યાત્રા માટે નનકાના સાહિબ જેવા ગુરુદ્વારામાં જાથાના ભાગ રૂપે મુસાફરી કરે છે. ડેનિશે પાક. ગુપ્તચર એજન્સીના અધિકારી અલી હસનને મળવાનું કહ્યું. પ્રથમ વાર મલ્હોત્રા 2023માં પાકિસ્તાન ગઈ હતી. ત્યાં તે અનેક પાકિસ્તાની નાગરિકોના સંપર્કમાં હતી. અલી હસને મલ્હોત્રાને પાકિસ્તાન ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. એહસાન-ઉર-રહીમ ઉર્ફે ડેનિશ તેણીનો પ્રાથમિક સંપર્ક હોવાનું જણાય છે.
મલ્હોત્રાએ પોલીસને એમ પણ કહ્યું હતું કે શંકા ન જાય તે માટે પાકિસ્તાની એજન્ટ, શાકીરનો નંબર જાટ રંધાવા તરીકે સેવ કર્યો હતો. અલી આહવાન જેવા અન્ય પાકિસ્તાની સંપર્કોએ તેણીને પાકિસ્તાનમાં હતી ત્યારે સુરક્ષા કવચમાં મદદ કરી હતી. અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાનની મુલાકાતો દરમિયાન તેણીનો પરિચય ઘણા ગુપ્તચર અધિકારીઓ સાથે પણ થયો હતો.
કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં સામે આવ્યું છે કે તે વિઝા માટે PAK દૂતાવાસ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે તેના ડિજિટલ ઉપકરણો, જેમ કે મોબાઇલ ફોન, જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
મને કહ્યું કે તે દિલ્હી જઈ રહી છે: મલ્હોત્રાના પિતા
જ્યોતિ મલ્હોત્રાના પિતા હરીશ મલ્હોત્રાએ સોમવારે કહ્યું કે તેમને તેમની પુત્રીના પાકિસ્તાન પ્રવાસ વિશે કે YouTube અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશે ખબર નથી. “તે મને કહેતી હતી કે તે દિલ્હી જઈ રહી છે. તેણીએ મને ક્યારેય કંઈ કહ્યું નહીં,” તેના પિતાએ કહ્યું, શનિવારના તેમના નિવેદન પર પાછા ફરતા કે જ્યોતિ વીડિયો શૂટ કરવા માટે પાકિસ્તાન ગઈ હતી. “તે ઘરે વીડિયો બનાવતી હતી,” તેમણે ઉમેર્યું. જ્યોતિ દોઢ વર્ષની હતી ત્યારે તેની માતા દ્વારા તેને અનાથાશ્રમ છોડવામાં આવી હતી. પછી તેમના પિતા અને દાદા-દાદીએ તેની ઉછેર કર્યો. જ્યોતિ તેના ઘરે માત્ર એ જ જાણ કરતી કે તે ક્યારે જાય છે અને ક્યારે પછી ફરશે. તેના પિતાને તેની પાકિસ્તાન મુસાફરી અંગે કઈ ખ્યાલ નથી. જ્યોતિના પિતાના નિવેદન થકી આ માહિતી પ્રાપ્ત થયેલ.
હરિયાણામાં MA ના વિદ્યાર્થીની ધરપકડ
કૈથલ (હરિયાણા) ના રહેવાસી 25 વર્ષીય દેવેન્દ્ર સિંહની પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે, કૈથલના પોલીસ અધિક્ષક (SP) આસ્થા મોદીએ સોમવારે જણાવ્યું હતું. આરોપી હાલમાં પટિયાલાની એક કોલેજમાં MA ના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે.
કૈથલના SP આસ્થા મોદીએ વધુમાં ઉમેર્યું કે દેવેન્દ્ર ચાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ, ત્રણ પુરુષો અને એક મહિલાના સંપર્કમાં હતો. “તે ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાન ગયો હતો, અને તે પછી, તે સતત તેમના સંપર્કમાં હતો. તેણે પટિયાલામાં કેન્ટોનમેન્ટ વિસ્તાર નજીક એક વીડિયો બનાવીને તેમને મોકલવાની કબૂલાત કરી છે,” એસપી મોદીએ જણાવ્યું.
દેવેન્દ્ર ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. પોલીસે તેના ઘરની તપાસ કરી છે અને બે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. સાયબર ફોરેન્સિક લેબ દ્વારા આ ઉપકરણોમાંથી લગભગ 300 જીબી ડેટા મળી આવ્યો છે, જેનું હવે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેના બેંક ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ પણ ચાલી રહ્યું છે. પોલીસે માહિતી આપી કે આ કેસની વધુ તપાસ ચાલુ છે, અહેવાલમાં ઉમેર્યું.




