ગુજરાતમાં ભવ્ય ભવિષ્યનું રોડ નેટવર્ક
₹93 હજાર કરોડના ખર્ચે 1110 કિમી લાંબા બે એક્સપ્રેસ વે બનશે: ગુજરાતના ફ્યુચર-રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાયાબિંદુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. તેમણે વિઝનરી આયોજનથી રાજ્યના માર્ગોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરીને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટીનો વ્યાપ વધાર્યો હતો. આ વિકાસયાત્રાને આગળ લઇ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સમયની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે.
આ વર્ષે રાજ્યના બજેટમાં બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બે એક્સપ્રેસ વે છે : (અ) નમોશક્તિ અને (બ) સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે. અંદાજિત ₹ 36,120 કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અંદાજિત ₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકાની આસપાસના વિસ્તારો માટેની કનેક્ટિવિટી સુગમ બનશે.
વિશાળ રોકાણ અને વિસ્તૃત કનેક્ટિવિટી
નમોશક્તિ એક્સપ્રેસ વે : ડીસાથી પીપાવાવ પોર્ટ સુધી 430 કિમી લંબાઈ, ખર્ચ ₹36,120 કરોડ
સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે : કુલ 680 કિમી, અંદાજિત ખર્ચ ₹57,120 કરોડ
કુલ 13 જિલ્લાઓમાંથી પસાર થઈ 45% વસ્તીને વિકાસ સાથે જોડશે
અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ-વે : મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે સ્થાપિત થશે
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ એક્સપ્રેસ વે ધોલેરા-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરના ઇન્ફ્લુઅન્સ એરિયામાંથી પસાર થાય છે. પરિણામે અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ વે એક મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે ઉભરી આવશે. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા વધવાથી સાણંદના સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રને ફાયદો થશે. આ કનેક્ટિવિટીથી રાજકોટના ટૂલ્સ અને મશીન ઉપકરણોનું ઉત્પાદન કરતા એકમોને પણ ફાયદો થશે. સુરેન્દ્રનગરમાં ખજખઊત ને આ મુખ્ય શહેરો સાથે સુગમ જોડાણ મળશે. તે સિવાય ઉત્તર ગુજરાતમાં પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં કૃષિ સંબંધિત વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
રાજ્યને મળશે 8000 કિમી 4-6 લેન હાઇવે નેટવર્ક
આ બે પ્રોજેક્ટો પૂર્ણ થતા ગુજરાતમાં 8000 કિમીથી વધુના 4-6 લેનનાં સુવિધાયુક્ત હાઇવે તૈયાર થશે, જે રાજ્યને માત્ર ભારતમાં નહીં પરંતુ એશિયામાં પણ સૌથી અદ્યતન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવનારા પ્રદેશોમાં સ્થાન અપાવશે.