2.11 કરોડના ખર્ચે બનાવાયું છે સુવિધાસભર આધુનિક બસસ્ટોપ
ખાસ-ખબર સંવાદદાતા
આટકોટમાં નવું બસ સ્ટેન્ડ તૈયાર થઇ ચૂક્યું છે અને આગામી તા.11ના રોજ તેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
એસટી નિગમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ વિભાગોમાં નવા બસ સ્ટેશનો અને વર્કશોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ વિભાગ હેઠળ આવતા જુદા જુદા ડેપો ઉપર કરોડો રુપિયાના ખર્ચે નવા બસ સ્ટેશનોનું નિર્માણ હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો અનુસાર રાજકોટ એસટી વિભાગ હેઠળ આવતા આટકોટ ખાતે પણ એસટી નિગમ દ્વારા રૂા.2.11 કરોડના ખર્ચે અધ્યતન અને નવીનતમ સેટેલાઇટ બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ છે.
આટકોટ ખાતે આ નવિન બસ સ્ટેશનનું નિર્માણ કર્યું છે. જેનો જમીનનો વિસ્તાર 4047 ચોરસ મીટર અને બાંધકામ વિસ્તાર 231.85 ચોરસ મીટર છે. આ બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ બનશે, જેમાં મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન, 4 સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ, વોશરૂમ એરિયા, લેડીઝ રેસ્ટરૂમ , પુરુષ મુસાફરો માટે 4 યુરીનલ અને 2 શૌચાલય અને સ્ત્રી મુસાફરો માટે 1 શૌચાલય અને 1 બાથરૂમ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. બસ સ્ટેશન ખાતે 2050 ચો.મી.ના સરક્યુલેશન વિસ્તારમાં સી.સી.ટ્રી-મીક્ષ ફલોરિંગ અને દિવ્યાંગો માટે ખાસ સુવિધાયુક્ત શૌચાલય અને સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. જેને લઇને મુસાફરોને હવે આધુનિક સુવિધાયુક્ત નવું બસસ્ટેન્ડ મળશે. તા. 11ના રોજ મુખ્યમંત્રી જસદણ,વીંછિયા આવી રહ્યા છે ત્યારે આ બસપોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આટકોટના મુસાફરોને નજીકના ભવિષ્યમાં આધુનિક સુવિધા ધરાવતા બસસ્ટેન્ડની ભેટ મળશે.
એસટી નિગમના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ નવ નિર્માણ પામેલ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ આગામી તા.11ના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર કાર્યક્રમમાં થનાર છે. આ કાર્યક્રમમાં વાહન-વ્યવહાર મંત્રી પણ ઉપસ્થિત રહેનાર હોવાનું એસટી નિગમના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આટકોટનું નવું બસ સ્ટેન્ડ તૈયાર, 11મીએ CMના હસ્તે લોકાર્પિત થશે
