નેપાળની રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર આજે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. હજારો છોકરાઓ અને છોકરીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતાં મોટાપાયે યુવાનો દેખાવો કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા છે. તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માગ સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. આંદોલનકારીઓનું આ આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટીતંત્રે વિસ્તારમાં કરફ્યુનો આદેશ આપ્યો છે.
- Advertisement -
નેપાળની ઓલી સરકારે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, અને X સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધા બાદ મોટાપાયે આંદોલનકારીઓ રસ્તાઓ યુવાનો આંદોલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
મૈતીઘર, કાઠમંડુ, અને અન્ય ટોચના શહેરોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ભ્રષ્ટાચાર અને સરકારના સોશિયલ મીડિયા પર અંકુશનો વિરોધ કરતાં રેલી યોજી રહ્યા છે. તેઓએ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવી લેવાનો આરોપ મૂકતાં સુત્રોચ્ચાર કર્યા છે.
ફોન-ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત
- Advertisement -
આંદોલનકારીઓ મોટી સંખ્યામાં સુત્રોચ્ચાર કરતાં સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે કલાકો સુધી ફોન અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી. ઉલ્લેખનીય છે, વડાપ્રધાન ઓલી સરકારે ચાર સપ્ટેમ્બરથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યૂબ, રેડિટ, X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. જેનો યુવાનો દ્વારા મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્રતિબંધ સુધી સીમિત નથી આ આંદોલન
આ આંદોલન ફક્ત સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે વિરોધ નથી. તે દાયકાઓથી ચાલતા ભ્રષ્ટાચાર, અસમાન તકો અને નિષ્ફળ શાસન સામે લાંબા સમયથી દબાયેલા અવાજનો વિરોધ છે. મહેનતથી કમાયેલા પૈસા લાંચમાં ગાયબ થઈ રહ્યા છે. લોકો પાસે રોજગારી નથી. યુવા નેપાળીઓ વિદેશમાં કામ કરવા મજબૂર બન્યા છે. જ્યારે રાજકારણીઓના બાળકો મોંઘીદાટ કાર સાથે ઠાઠમાઠના જીવન જીવી રહ્યા છે. મોટાભાગના યુવાનો મહિનાના 25-30 હજાર રૂપિયા માટે ગલ્ફમાં નોકરી કરવા મજબૂર બન્યા છે. આ તમામ અસમાનતાની વિરૂદ્ધ આ આંદોલન છેડાયુ છે.