શનિવારે ઇસ્તંબુલમાં બીજા તબક્કાની વાટાઘાટો દોહામાં પ્રારંભિક વાટાઘાટોના એક અઠવાડિયા પછી આવી હતી, જે ઓક્ટોબર 16ના યુદ્ધવિરામના પગલે યોજાઈ હતી જેણે 2021માં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું ત્યારથી બંને પક્ષો વચ્ચેની સૌથી ઘાતક અથડામણનો અંત આવ્યો હતો.
પાકિસ્તાન અને અફઘાન તાલિબાન સરકાર વચ્ચેનો વિવાદ ઉકેલાયો નથી રહ્યો. બંને દેશો વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો આગળ વધી રહી નથી. પાકિસ્તાને તાલિબાન પર હઠીલું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને જણાવ્યું છે કે તાલિબાન પાયાવિહોણી દલીલો કરી રહ્યું છે. જે તદ્દન ખોટી છે. એકંદરે, તૂર્કિયેમાં તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે લગભગ નવ કલાક ચાલેલી બેઠક કોઈપણ ઔપચારિક કરાર વિના સમાપ્ત થઈ. તાજેતરમાં બંને દેશો વચ્ચે સરહદી સંઘર્ષ બાદ બંને દેશો હવે સમાધાન માટે વાટાઘાટો કરી રહ્યા છે. કતાર અને તૂર્કિયે તેમની વચ્ચે મધ્યસ્થી કરાવી રહ્યું છે. શાંતિ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કતારની રાજધાની દોહામાં થયો હતો. વાતચીતનો બીજો રાઉન્ડ 19 ઓક્ટોબરના રોજ તૂર્કિયેની રાજધાની ઇસ્તંબુલમાં શરૂ થયો હતો.
- Advertisement -
પાકિસ્તાને મૂકી માગ
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાને તાલિબાનને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સહયોગ આપવાની માગ કરી છે. પાકિસ્તાને તાલિબાનને સરહદ પાર આતંકવાદના અસંખ્ય પુરાવા રજૂ કર્યા અને આ મુદ્દાના ઉકેલનો પ્રસ્તાવ મૂક્યો છે. પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને બંને દેશો વચ્ચે વેપાર મુદ્દાઓને ઉકેલવા માટે નીતિ વિકસાવવાની પણ ચર્ચા કરી હોવાના અહેવાલ છે. પાકિસ્તાન અને તાલિબાને બંને દેશો વચ્ચે રાજકીય સમજૂતી પર પણ ચર્ચા કરી હતી. જોકે, તાલિબાને કોઈ નક્કર પ્રતિભાવ આપ્યો નથી. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે તાલિબાન સહયોગ કરવા કે જમીની વાસ્તવિકતાઓ સ્વીકારવા તૈયાર નથી. તૂર્કિયે પણ તાલિબાનને આ મુદ્દો ઉકેલવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલમાં પાકિસ્તાની અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભવિષ્યની કામગીરી તાલિબાનના નિર્ણય પર નિર્ભર રહેશે.
યુદ્ધની ધમકી
- Advertisement -
પાકિસ્તાને તાલિબાનને કહ્યું છે કે તે સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં. જો શાંતિ વાટાઘાટો નિષ્ફળ જાય તો પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે યુદ્ધ કરવાની ધમકી પણ આપી છે. વાટાઘાટો શરૂ થતાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે જો શાંતિ વાટાઘાટો નિષ્ફળ જાય તો તાલિબાન સાથે યુદ્ધ ફાટી નીકળશે.
અમેરિકા મધ્યસ્થી કરાવશે…
અમેરિકા પણ મેદાનમાં ઉતર્યું છે. આઠ યુદ્ધ બંધ કરાવવાનો દાવો કરનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે મધ્યસ્થી પણ કરશે. મલેશિયામાં આસિયાન સમિટ દરમિયાન ટ્રમ્પે કહ્યું, મેં સાંભળ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, પરંતુ હું તેને ખૂબ જ ટૂંક સમયમાં ઉકેલીશ. હું તે બંનેને ઓળખું છું. ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેઓ મહાન લોકો છે, અને કોઈ શંકાનું સ્થાન નથી, અમે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલીશું.
શું છે વિવાદ
પાકિસ્તાને તેની સેના પર થયેલા અનેક હુમલાઓ માટે અફઘાનિસ્તાનના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે તાલિબાન આ આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે અને ટેકો આપી રહ્યું છે. જે લાંબા સમયથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવનું કારણ રહ્યું છે. ઓક્ટોબરની શરૂઆતમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પર બંને દેશોની સેના વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હવાઈ હુમલો કર્યો હતો. આતંકવાદી ઠેકાણાંને ટાર્ગેટ કર્યા હતા. તેના જવાબમાં તાલિબાને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. થોડા દિવસ સુધી ચાલેલા આ યુદ્ધ બાદ તૂર્કિયે, કતાર અને અન્ય દેશોએ મળીને બંને વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. હવે બંને પક્ષ સમાધાન માટે શાંતિ વાર્તા કરી રહ્યું છે.




