શિક્ષણના ધામમાં દારૂની મહેફિલો? કરોડોની સિક્યુરિટી છતાં અસામાજિક તત્વો બેફામ
જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની વિદ્યાર્થી નેતાની ચિમકી
- Advertisement -
કેમ્પસમાં દારૂની બોટલો મળવી શરમજનક છે, કરોડોના ખર્ચે સિક્યુરિટી રાખી છતા આવા બનાવો કેમ બને છે? : રોહિતસિંહ રાજપૂત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દીવાલની અડો-અડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાંથી અંદાજે 7 જેટલી અંગ્રેજી દારૂની ખાલી બોટલો મળી આવી છે જે રાજ્ય સરકારના દારૂબંધીના પોકળ દાવાઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે. શિક્ષણના ધામ સમાન યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલો ચાલતી હોવાનો ગંભીર સવાલો ચિંતાજનક છે.
એક તરફ ગુજરાત સરકાર દારૂબંધીના મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની નજીક અને યુનિવર્સિટી કેમ્પસમાં જ દારૂની બોટલો મળી આવવી એ સાબિત કરે છે કે દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત છે. અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે આ દારૂની મહેફિલો કેમ્પસમાં થાય છે કે પછી પોલીસ સ્ટેશનની આડમાં જ ખુલ્લેઆમ થાય છે?
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર વર્ષે અંદાજે એક કરોડ રૂપિયાનું ટેન્ડર ખાનગી સિક્યુરિટી એજન્સીને આપે છે, તેમ છતાં કેમ્પસમાં અસામાજિક તત્વો બેફામ રીતે ફરી રહ્યા છે, જે સિક્યુરિટી વ્યવસ્થાની નિષ્ફળતા સાબિત કરે છે.
ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં એક વિદ્યાર્થીની સાથે છેડતીનો ગંભીર બનાવ બન્યો હતો, જે અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ આજદિન સુધી વણઉકેલ્યો મામલો બની રહી છે. આવી ઘટનાઓ પછી પણ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ સુધારો ન થવો એ અત્યંત દુર્ભાગ્યજનક છે.
કેમ્પસમાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલ છે. આવી પરિસ્થિતિમાં દારૂની મહેફિલો ચાલતી હોવાની ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ સમગ્ર મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે સખત પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલો મળવી એ માત્ર શરમજનક જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્ન છે. કરોડો રૂપિયા ખર્ચી સિક્યુરિટી એજન્સી રાખવામાં આવી છે તો પછી આવા બનાવો કેવી રીતે બની રહ્યા છે? નિવૃત્ત આર્મીમેનોને અલગથી પગાર પર રાખવામા આવ્યા છે તો કેમ આવા બનાવો સામે આવે છે ? કેમ્પસમા સીસીટીવી મોટાભાગના બંધ હાલતમા છે ત્યારે નવા હાઈ વિજિબિલિટી ધરાવતા સીસીટીવી કેમેરા લગાવવામા જોઈએ જેથી વિદ્યાર્થીઓની અને કેમ્પસની સલામતી જળવાઈ રહે. રોહિતસિંહ રાજપૂતે જવાબદાર સિક્યુરિટી એજન્સી સામે નોટિસ આપી એજન્સી પર બ્લેકલિસ્ટ કરી ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમજ પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની પણ માંગણી કરી છે. વિદ્યાર્થીનેતાએ ચિમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.



