વતન વાપસીનું નવાઝ શરીફનું સ્વપ્ન પૂરું નહીં થાય
લખપત જેલમાં હતા પરંતુ આરોગ્ય કથળતા લંડન ગયા ત્યારથી ત્યાં જ છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું વતન વાપસીનું સ્વપ્ન રોળાઈ ગયું છે. આ પૂર્વે નવાઝ શરીફના ભાઈ અને દેશના વડાપ્રધાન શહબાઝ શરીફની સરકારે બનાવેલો તે કાનૂન પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રદ્દ જાહેર કર્યો હતો કે જેમાં રાજકારણીઓને ફરિવાર અપીલ કરવાનો અધિકાર આપવા માટે તેમાં સુધારા કરવામાં આવ્યા હતા. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક વખત પણ ફોજદારી કેસમાં દોષિત ઠરાવાયા પછી તે વ્યકિત કોઇ પણ સંવૈધાનિક પદે રહી શકે નહીં. અધુરામાં પુરુ નવાઝ શરીફની જ પાર્ટી પાકિસ્તાન- મુસ્લિમ લીગ ના સભ્યોમાં પણ નવાઝનાં પાછા ફરવા અંગે મતભેદ છે.
તે સર્વ વિદિત છે કે 2018માં અલ અઝીઝીયા મિલ્સ અને એવન ફીલ્ડઝ કેસોમાં તેઓ તકસીરવાન ઠર્યા હતા. પરિણામે લાહોર સ્થિત કોટ લખપત જેલમાં 7 વર્ષની સજા ભોગવી રહ્યા હતા. તેવામાં તેઓનું આરોગ્ય કથળતા તેઓને લંડન સારવાર માટે જવા પરવાનગી આપવામાં આવી હતી. ત્યારથી તેઓ લંડનમાં જ છે. તેઓની વતન વાપસી અંગે તેમનો જ પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગમાં કેટલાક કહે છે જો તેઓ દેશમાં પાછા ફરે તો તુર્ત જ તેઓની ધરપકડ થઈ શકે તેવી પુરી શકયતા છે. માટે તેઓએ આવવું ન જોઈએ. જયારે બીજું જુથ કહે છે કે શાહબાઝ શરીફ પોતાના ભાઈની વતન વાપસી અંગે રાજકીય અને કાનૂની વિશેષજ્ઞાોની સલાહ લઈ રહ્યા છે. તેઓ થોડા દિવસોમાં જ લંડન પોતાના ભાઈને મળવા જવાના છે. નવાઝની વતન વાપસી માટે માર્ગ વિચારવાના છે. જયારે પીએમએલ(એન)ના નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ કહે છે કે ભય સંપૂર્ણ રીતે દૂર થાય તે પછી જ નવાઝ આવશે.