ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષી બોટ માલિકો, એસોસિએશન પ્રમુખ અને આગેવાનો સાથે મિટિંગ યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ નવાબંદર
સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ છે. ખરાબ હવામાનના કારણે તેમજ ભારે પવનની અસરથી માછીમારી માટે ગયેલી તમામ બોટોને તાત્કાલિક ધોરણે પરત કિનારે લાંગરવામાં આવી છે.
નવાબંદર મરીન પોલીસે બોટ માલિકો, આગેવાનો અને એસોસિએશનના પ્રમુખ સાથે મિટિંગ યોજી માછીમારોને દરિયો ન ખેડવા માટે તેમજ સાવધાની અનુસરી સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
- Advertisement -
સંલગ્ન વિસ્તારના બોટ માલિકો, હોડીના માલિકો અને એસોસિએશન પ્રમુખ અને આગેવાનો સાથે યોજાયેલી આ મિટિંગમાં આગામી ચાર દિવસ દરમિયાન ખરાબ હવામાન, પવનની ગતિ તેમજ અગમચેતીના પગલાઓ લેવા વિશે માહિતી આપવામાં આવી હતી અને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સાગરખેડૂઓને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં, મરીન પોલીસ દ્વારા દરિયામાં માછીમારી માટે ગયેલી કોઈપણ બોટ ફસાઈ હોવાની જાણ થાય તો તાત્કાલિક અસરથી જાણ કરવા માટે જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગે આગામી દિવસો દરમિયાન સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેથી ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાને લીધે સાવચેતીના પગલા લેતાં માછીમારી માટે ગયેલ તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવવામાં આવી છે.