મા અંબા જગદંબાનો આસુરી વૃત્તિ પર વિજય નવરાત્રી કહેવાય છે.
નવરાત્રીની કથા અનુસાર માતાજીએ મહિષાસુરને માર્યો હતો. આ મહિષાસસુર અંગે આપણી થોડીક ખોટી માન્યતા છે કે, અસુર એટલે બિહામણો રાક્ષસ જેને મોટા દાંત, નખ અને લાંબા વાળ છે. તે ભયંકર ક્રુર છે પરંતુ હકીકતમાં એવું નથી. અસુર એટલે ભોગવિલાસમાં રચ્યો-પચ્યો રહેનારો. તેમજ મહિષ એટલે પાડો. અને એ અર્થ મુજબ પાડાની વૃત્તિ રાખનાર અસુર તે મહિષાસુર. અનાદિથી આધુનિકકાળ સુધી દૈવી વિચારો અને ક્રિયાઓ પર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે. એ સમયે જે આસુરી વૃત્તિ જન્મી હોય તેમાંથી મુક્ત થવાનો વિજયપર્વ એટલે મા શક્તિના નવલા નોરતાની રાતો – નવરાત્રી. વળી, નવરાત્રી પછીનો દિવસ અસત્ય પર સત્યની વિજયનો દિવસ દશેરા આવે છે. જે દિવસે રામ ભગવાનએ રાવણનો વધ કર્યો હતો તે દિવસ આપણે વિજયાદશમી તરીકે ઉજવીએ છીએ. આમ, આ દિવસો આપણી અંદર પણ રહેલી કેટલીક આસુરી વૃત્તિ પર વિજય મેળવવાના દિવસો છે.
નવરાત્રીનું હિંદુ સંસ્કૃતિમાં ખાસ મહત્વ છે. ભારતમાં માતાજીની નવરાત્રી વર્ષમાં મુખ્ય ચાર વાર આવે છે – વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી. જેમાં શરદ નવરાત્રી એટલે કે મહાનવરાત્રી માટે પૂરી દુનિયામાં ગુજરાતીઓ પ્રખ્યાત છે. ગુજરાતીઓનો એક સમાનર્થી એટલે ગરબા અને એટલે જ નવ રાતોનો ઉલ્લાસ અને ઉત્સાહથી ભરપૂર મહોત્સવ નવરાત્રી આપણા ગુજરાતની અસ્મિતાની અનેરી ઓળખાણ છે. નવરાત્રીની નવ રાતો દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની અલગ-અલગ પ્રદેશ પરંપરા મુજબ પૂજા થાય છે. જેમ કે, દુર્ગા, ભદ્રકાલી, અંબા કે જગદંબા વિશ્વમાતા, અન્નપૂર્ણા, સર્વમંગલા, ભૈરવી, ચંદ્રિકા કે ચંડી, લલિતા, ભવાની અને મોકામ્બિકા. કેરળમાં નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો અષ્ઠમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે. ગરબો એ ગર્ભનું પ્રતિક છે. નવરાત્રીના અમુક દિવસો ઉપરાંત કેટલાંક પ્રતિકો પણ આપણને કેટલાંક સંદેશ આપે છે જેમ કે, ગરબો. ગરબો ગર્ભનું પ્રતિક છે સાથે એ આપણા સૌ માટે ઉજાશ ફેલવવાનું પણ ઉદાહરણ છે.
- Advertisement -
આપણે પણ ગરબામાં રહેલા દિવડાની જેમ દિવ્યતાભર્યો પ્રકાશ ફેલાવો જોઈએ. કારતક સુદ એકમથી નોમ સુધી નવ રાત્રીનો તહેવાર અટલે નવરાત્રી. આ દિવસોમાં હિંદુ લોકો નવદુર્ગાનું વ્રત કરીને ઘરમાં ગરબાનું સ્થાપન કરે છે અને માતાજીને નીવેધ ધરે છે. દેવીની નવધા શક્તિ જે સમયે મહાશક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે સમયને નવરાત્રી કહેવામા આવે છે. નવરાત્રી એટલે મા શક્તિની દૈવીય ઉપાસના અને અખૂટ આરાધનાના દિવસો. અસત્ય મૂલ્યો પર વિજયી થયાની ગાથાની રંગીન રાત્રીઓ એટલે નવરાત્રી. માં શક્તિની દૈવીય ઉપાસના અને આરાધના કરીને આ નવ દિવસોમાં આપણે પણ આપણી અંદર રહેલી અસુરી વૃત્તિઓનો ત્યાગ કરી તન, મન, ધનથી પવિત્ર બનવું જોઈએ અને આપણી આત્માને વચન, વ્યવહારથી શુદ્ધ બનાવવી એ જ આ નવરાત્રીનું મહામ્ય છે.