પ્રથમ નોરતે માં નવદુર્ગાની આરાધના સાથે ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
નવદુર્ગાની આરાધનાનો પર્વ નવલા નોરતા ધામધૂમથી શરૂ થયો છે. સમગ્ર દેશમાં ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજુલા શહેરમાં પણ પ્રથમ નોરતે ભક્તોએ માં નવદુર્ગાની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી ઉલ્લાસભેર ઝૂમી ઉઠ્યા હતા.
રાજુલા શહેરના હવેલી ચોક, અંબાજી મંદિર, હોસ્પિટલ પટાંગણ, પોલીસ લાઇન તથા બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શેરી ગરીબીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ગોકુલનગર વિસ્તારમાં જય માતાજી પાર્ટી પ્લોટ ખાતે ખાસ બહેનો માટે જુદી વ્યવસ્થા સાથે ગરબા રમવાની મજા માણવામાં આવી રહી છે.
અંબાજી મંદિર ખાતે પરંપરાગત રીતે નાની બાળાઓ દ્વારા ગરબા રમવાની વિશેષ પરંપરા આ વર્ષે પણ નિભાવવામાં આવી હતી. ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ તકે અંબાજી મંદિરના મહંતશ્રી કનુબાપુ, ઉમેશભાઈ કોટીલા, અશોકભાઈ, મહેશભાઈ કોટીલા, ચિરાગભાઈ જોષી, અર્ચનાબેન પરાગભાઈ જોષી સહિત અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પ્રથમ નોરતાથી જ ધામધૂમપૂર્વક થઈ રહી છે. ખેલૈયાઓ હર્ષ અને ઉમંગ સાથે ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજુલા પીઆઇ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું છે.



