1160 હેક્ટરમાં 19500 કરોડના ખર્ચે એરપોર્ટનું નિર્માણ: ટર્મિનલ કમળની ડિઝાઈનમાં બનાવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. પ્રથમ તબક્કામાં એક ટર્મિનલ અને એક રનવે બનાવાયો છે. તેની ક્ષમતા વાર્ષિક 2 કરોડ મુસાફરોને સેવા આપવાની છે. પીએમ મોદી બુધવારે બપોરે 3 વાગ્યે મુંબઈની બે દિવસીય મુલાકાત માટે પહોંચશે. તેમનું વિમાન નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. પીએમ બપોરે 3:30 વાગ્યે એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તેઓ મુંબઈ મેટ્રો લાઇન 3ના ફેઝ 2ઇનું પણ ઉદ્ઘાટન કરશે, જે મુંબઈની પ્રથમ સંપૂર્ણપણે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન છે. નવી મુંબઈ એરપોર્ટ પરનું ટર્મિનલ કમળ આકારની ડિઝાઇનમાં બનાવવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં અહીંથી નિયમિત ફ્લાઇટ્સ શરૂ થશે. આ મુંબઈનું બીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ હશે. તેનું નામ ખેડૂત નેતા ડીબી પાટિલના નામ પરથી રાખવામાં આવ્યું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આશરે 1,160 હેક્ટર (11.6 ચોરસ કિલોમીટર) પર ₹19,500 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. તે અનેક તબક્કામાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ચાર ટર્મિનલનો સમાવેશ થાય છે જે વાર્ષિક 9 કરોડ મુસાફરોને સેવા આપશે અને 32.5 લાખ મેટ્રિક ટન કાર્ગોનું વહન કરશે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ ખેડૂત નેતા ડીબી પાટિલના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ મહારાષ્ટ્રના ખેડૂતો અને આદિવાસી લોકોના અધિકારો માટે લડનારા એક અગ્રણી ખેડૂત નેતા હતા. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન દરમિયાન વિસ્થાપિત ગ્રામજનોના અધિકારો માટે પાટીલ લડ્યા હતા.