જો તમે આગળનું દરેક પાત્ર કે પર્ફોર્મન્સ ભૂલીને નવાની તૈયારી કરે રાખશો તો એ પાત્રો તમે ભલે ભૂલી ચૂક્યા હોવ, પણ લોકો એને યાદ રાખશે, પણ જો તમે કોઈ સર્જન, પાત્ર કે પર્ફોર્મન્સના પ્રેમમાં પડીને એનાથી ડિટેચ નહીં થઈ શકો તો લોકો તમને ભૂલી જશે!
રોબિનસિંઘના રિફલેક્શન્સ ધીમા પડે ત્યારે દુનિયાની આંખો એના પરથી હટીને તાજા આવેલા તરવરિયા યુવરાજસિંઘ પર જતી જ રહે એ નિયમ છે. પર્ફોર્મન્સબેઝ્ડ ક્ષેત્રોનું આ જ અંતિમ સત્ય છે.
જો પોતાના યુગની વાતો વાગોળ્યાં કરીને પર્ફોર્મન્સ સતત ઈમ્પ્રૂવ નહીં કરો તો ફેંકાઈ જતા વાર નહીં લાગે. સતત ઈમ્પ્રૂવ થવામાં પણ ‘પડશે એવા દેવાશે‘ની નીતિ નહીં ચાલે કારણ કે આજના યુગમાં તો પડશે એવા કે દેતાં ય નહીં આવડે.
- તુષાર દવે
હમણાં નવાઝુદ્દિન સિદ્દિકીનો એક ઈન્ટરવ્યૂ જોયો. યુ ટ્યુબની મેન્સ એક્સ પી ચેનલના એન્કરે નવાઝને એક રસપ્રદ સવાલ પૂછ્યો જેનો જવાબ સામાન્ય કરતાં ઘણો ‘હટકે’ હતો અને કદાચ નવાઝુદ્દિન સિદ્દિકીની સફળતાનું એક રહસ્ય પણ એ જવાબમાં જ છુપાયેલું હોય એવું લાગ્યું.
ઈન્ડિયન સ્ટાન્ડર્ટ મુજબ સાધારણ કરતાં પણ ઓછો કહી શકાય એવો દેખાવ ધરાવનારા એક્ટર તરીકે આમિર ખાનની ‘સરફરોશ’માં ટચુકડા રોલ અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં એક જ દૃશ્ય ધરાવતા પાકિટમારના રોલથી માંડીને ત્રણેય ખાન અને અમિતાભ બચ્ચન જેવા એક્ટર્સની સામે સેકન્ડ લીડ અથવા પેરેલલ કહી શકાય એવા રોલ સુધી પહોંચવાની અને નેટફ્લિક્સ પર રજૂ થઈ હોવાથી ‘સેક્રેડ ગેમ્સ’ સિરિઝના માધ્યમથી દુનિયાના ઓલમોસ્ટ પોણા બસ્સો દેશોના દર્શકો સુધી પહોંચવાની એની સિદ્ધી કોઈ નાનીસૂની નથી. બલકે એક કેસ સ્ટડી છે. વધુમાં એ માત્ર ક્લાસનો નહીં, પણ ક્લાસ અને માસ બન્નેનો એક્ટર બની ગયો છે. એ માત્ર વિવેચકોના વખાણ જ નથી મેળવતો, પણ દર્શકોનો પ્રેમ પણ મેળવે છે. નવાઝની આ સફર અને સિદ્ધીના રહસ્યનો તાગ એ સવાલના જવાબમાં મળે છે જે સવાલનો મેં આગળ ઉલ્લેખ કર્યો.
- Advertisement -
એન્કરે પૂછ્યું કે, તમારા કેરિયરને ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ના ફૈઝલ ખાનના પાત્રએ એક અલગ હાઈટ પર લાવીને મુકી દીધું. ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’નો ફૈઝલ ખાન તો બસ ફૈઝલ ખાન જ હતો. કિતના મિસ કરતે હો આપ ફૈઝલ ખાન કો? નવાઝનો જવાબ હતો કે, સચ બતાઉં? બિલકુલ ભી નહીં. મેં ઉતના નોસ્ટેલ્જિક નહીં હું. નવાઝ કહે છે કે, કેટલાક લોકોની આદત હોય છે પોતે ભજવેલા પાત્રના પ્રેમમાં પડી જવાની અને તેનાથી ડિટેચ ન થઈ શકવાની. પછી એ લોકો આજીવન પોતાના એ એક કેરેક્ટર કે ક્લાસિક ફિલ્મને જ આજીવન વાગોળ્યાં કરતાં હોય છે અને કંઈ જ નવું કરી શકતા નથી.
નવાઝનો જવાબ આ પ્રકારના સવાલોના સામાન્ય રીતે આવતા જવાબોથી અલગ હતો. વાત કોઈ જેવી તેવી નહીં, પણ બોલિવૂડના ઈતિહાસની એક માઈલસ્ટોન ફિલ્મના એક યાદગાર કેરેક્ટરની થઈ રહી હતી. ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ એક રીતે નવી જનરેશનની ‘શોલે’ છે. લોકપ્રિયતાના કેટલાક માપદંડો પર ‘શોલે’ અને ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ સમાન છે. બન્ને ફિલ્મોના ડાયલોગ્સ ખુબ જ લોકપ્રિય છે. એ હદે કે એ ફિલ્મોના ચાહકોને આખેઆખી ફિલ્મ મોઢે હોય છે. ‘શોલે’ના કેટલાક ચાહકો તો એવા છે જે એના ડાયલોગ્સ તમને હ્રસ્વ ઇ-દીર્ઘ ઈ સાથે કહી શકે! એક વાર એવું બન્યું કે પત્રકાર મિત્રો વચ્ચે ‘શોલે’ના ડાયલોગ્સની ચર્ચા ચાલી રહી હતી. મેં કહ્યું ‘શોલે’ના ઘણાં ડાયલોગ્સ લોકપ્રિય છે, પણ એ ફિલ્મનો મારો ફેવરિટ ડાયલોગ લોકપ્રિય નથી. એ ડાયલોગ છે – ‘બુરાઈને બંદૂક ચલાના શીખા દીયા, અચ્છાઈ હલ ચલાના શીખા દેગી’ – એ સાંભળીને ‘શોલે’ સો કરતાં પણ વધુ વાર જોઈ ચૂકેલા પત્રકાર મિત્રે સુધારો કરતાં કહ્યું કે એ ડાયલોગમાં અચ્છાઈ નહીં, પણ નેકી શબ્દ છે – ‘બુરાઈને બંદૂક ચલાના શીખા દિયા, નેકી હલ ચલાના શીખા દેગી.’
ઈનશોર્ટ, આ ફિલ્મોના ચાહકોને એના દરેક આઈકોનિક દૃશ્યો અને ડાયલોગ્સ યાદ છે. જે રીતે ‘શોલે’નું દરેક કેરેક્ટર દમદાર ઘડાયેલું એ જ રીતે ‘વાસ્સેપુર’નું પણ દરેક કેરેક્ટર પોતાની છાપ છોડી જાય છે. દરેક કેરેક્ટર લોકપ્રિય છે. બન્ને ફિલ્મોના ડાયલોગ્સ એ હદે લોકપ્રિય બન્યા છે કે એ લોકોની બોલચાલની ભાષામાં અનાયાસે કહેવત કે રૂઢીપ્રયોગની જેમ વપરાવા લાગ્યાં છે. જેમ કે – ‘જો ડર ગયા વો મર ગયા…’ ‘તુમસે ના હો પાયેગા…’ ‘જબ તક ઈસ દેશ મૈં સિનેમા હૈ લોગ…’ – ‘શોલે’ના યુગમાં તો મિમ્સનો જમાનો નહોતો, પણ ભારતમાં મિમ્સ બનવાના શરૂ થયા એ પછી સૌથી વધુ મિમ્સ કદાચ ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ના જ દૃશ્યો કે ડાયલોગ્સ પરથી જ બન્યાં હશે! શોલેની ખાસિયત એ છે કે એ ગમે ત્યારે જુઓ પણ 45 વર્ષ જૂની હોવા છતાં ક્યાંય આઉટ ઓફ ડેટ કે કંટાળાજનક લાગતી નથી. બીજી તરફ ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’ની ખાસિયત એ છે કે એ જેટલી જૂની થતી જાય છે એટલી વધુ ક્લાસિક બનતી જાય છે અને એના ચાહકો વધતાં જાય છે. એ રિલિઝ થઈ ત્યારે એનું નામ પણ જેણે ન સાંભળ્યું હોય એવા લોકો પણ આજે એના ડાયહાર્ડ ફેન છે. ભારતમાં વેબસિરિઝોનું આગમન થયું એના વર્ષો પહેલા અનુરાગ કશ્યપે ક્રાઈમ-ગેંગવોર જોનરમાં એવા માઈલસ્ટોન સેટ કરી દીધા છે જેને આજ દિવસ સુધી કોઈ ભારતીય વેબસિરિઝ વળોટી શકી નથી. ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’નો પ્રભાવ પણ એવો છે કે આ જોનરની લગભગ દરેક ભારતીય સિરિઝમાં એ ફિલ્મની શૈલીની છાંટ જોવા મળે છે.
- Advertisement -
આવી ફિલ્મની વાત ઉખડી હોય, એન્કરે એ પાત્રની તૈયારી વગેરે વિશે બોલીને પોતાનો પ્રભાવ પાડવાની તક આપી હોવા છતાં નવાઝુદ્દિન સિદ્દિકી એ પાત્રમાં એણે કેવા મોર ટાંકી દીધેલા એની પાડાપૂછમાં પડ્યાં વિના પ્રેમથી કહી દે છે કે હું એ ભૂલી ચૂક્યો છું. ફૈઝલ ખાનનું પાત્ર તો ઠીક હું ‘સેક્રેડ ગેમ્સ’ના ગાયતોંડેને પણ ભૂલાવી ચૂક્યો છું. અત્યારે હું સિરિયસ મેન ફિલ્મના મારા પાત્રની વાત કરી રહ્યો છું, પણ જે ક્ષણથી હું નવા કોઈ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરીશ કે પાત્રની તૈયારી શરૂ કરીશ ત્યારે હું મારા આ પાત્રને પણ ભૂલી જઈશ. જો હું મેં અગાઉ કરેલા પાત્રોને કે એની સફળતાનો ભાર મારા ખભા પર લઈને ફરું અને એને ભૂલુ જ નહીં તો મારો વિકાસ ત્યાં જ અટકી જાય. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જો તમે આગળનું દરેક પાત્ર કે પર્ફોર્મન્સ ભૂલીને નવાની તૈયારી કરે રાખશો તો એ પાત્રો તમે ભલે ભૂલી ચૂક્યા હોવ, પણ લોકો એને યાદ રાખશે, પણ જો તમે કોઈ સર્જન, પાત્ર કે પર્ફોર્મન્સના પ્રેમમાં પડીને એનાથી ડિટેચ નહીં થઈ શકો તો લોકો તમને ભૂલી જશે!
દરેક કલાકાર પોતાની કળા અથવા સર્જનના પ્રેમમાં તો પડવાનો જ પણ નવાઝની જેમ એ નવા સર્જન વખતે ડિટેચ થવામાં સફળ ન થાય તો નવા સર્જનો ગમે તેટલા મહાન થાય, પણ એ આગળના મહાન થઈ ગયેલા સર્જનના પડછાયામાં જ રહેવાના. એવા કલાકારો પૈકી ઘણાં તો વન ફિલ્મ વન્ડર બનીને જ અટકી જતાં હોય છે. ઘણાં ચાલે તો પણ રામગોપાલ વર્માની જેમ પોતાના જ આગળના સર્જનોથી આગળ નીકળી શકતાં નથી. રાહુલ રોયે પોતાના કેરિયરમાં અનેક ફિલ્મો કરી હશે, પણ આપણને એની ‘આશિકી’ સિવાય ભાગ્યે જ કોઈ યાદ આવશે. અનુપમ ખેરે પોતાના કેરિયરમાં અનેક રેન્જના પાત્રો ભજવ્યા છે, પણ એમની ઓટોબાયોગ્રાફી વાંચો તો ખ્યાલ આવશે કે એમની આખી કેરિયર અને આખી જિંદગી માત્રને માત્ર તેમની લોન્ચિંગ કહી શકાય તેવી ફિલ્મ ‘સારાંશ’મય જ છે. મુકેશ ખન્નાને આજથી વીસ વર્ષ પહેલા મળ્યાં હોવ અને એના દસેક વર્ષ પછીથી ફરી પણ મળ્યાં હોવ તો ખ્યાલ આવશે કે એમની આભામાં આસ-પાસ ‘શક્તિમાન’ અથવા ‘ભીષ્મ’ જ ઘુમરાતાં રહે છે. એમના હાલના યુ ટ્યુબ વીડિયોઝ જોશો તો પણ અંદાજ આવશે કે તેઓ એમના એ જ જૂના જમાનામાં કેદ થઈ ગયા છે, પણ દુનિયા અને દર્શકો એમનાથી ક્યાંય આગળ નીકળી ગયાં છે. અનુપમ ખેર કે રામગોપાલ જેવા ક્રિએટિવ પર્સન્સ તો સતત કંઈકને કંઈક કરતાં રહે છે અને જે જૂની સિદ્ધીઓ હોય એ પણ એમની પોતાની જ હોય છે, પણ દયાજનક હાલત આપણા સમાજમાં વસતા એવા લોકોની છે જેમણે પોતે તો ક્યારેય કંઈ જ નોંધનિય ન કરી બતાવ્યું હોય અને એમના બાપ-દાદા કે એમના બાપ-દાદાના વડવાઓએ વર્ષો પહેલા કંઈક કર્યું હોય એના અભિમાનમાં ફૂલાઈને ફજતફાળકો થઈને ફરતાં હોય છે.
જૂની ગમે તેટલી મોટી સિદ્ધીને ભૂલાવીને આગળના કામની તૈયારી કરવાનો નવાઝનો આ મંત્ર પેલા સિદ્ધાંત પર આધારિત છે કે દુનિયા લાસ્ટ પર્ફોર્મન્સ યાદ રાખે છે, પાસ્ટ નહીં અથવા તો તમારું લાસ્ટ પર્ફોર્મન્સ કેવું છે એ મહત્વનું છે, પાસ્ટ કેવું હતું કે તમારો ઈતિહાસ કેવો ભવ્ય હતો એ બિલકુલ મહત્વનું નથી. રોબિનસિંઘના રિફલેક્શન્સ ધીમા પડે ત્યારે દુનિયાની આંખો એના પરથી હટીને તાજા આવેલા તરવરિયા યુવરાજસિંઘ પર જતી જ રહે એ નિયમ છે. પર્ફોર્મન્સબેઝ્ડ ક્ષેત્રોનું આ જ અંતિમ સત્ય છે. સચિનનો કે ધોનીનો ઈતિહાસ મહાન હતો, પણ જ્યારે જ્યારે તેઓ નિષ્ફળ જતાં અથવા તો ગયા ત્યારે એમની ટીકા થતી જ ને? એમણે અગાઉ જે કર્યું હોય એની વેલ્યૂ ત્યારે બહુ ઓછી થઈ જતી. આપણે ત્યાં તો ક્રિકેટર્સની કારકિર્દીના પૂર્ણવિરામ પણ ધકેલપંચા દોઢસોના તાલે આવતા હોય છે જ્યારે અપવાદોને બાદ કરતાં સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એમના ફોર્મના પીક પર હોય ત્યારે જ નિવૃત્તિની ઘોષણા કરવા માટે જાણીતા છે. એ પૈકી એડમ ગિલક્રિસ્ટનો દાખલો મારો ફેવરિટ છે. એડમ ગિલક્રિસ્ટે પોતાની બેટિંગની સ્ટાઈલમાં જ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી. એ પછી કોઈ પત્રકારે એમને પૂછ્યું કે હજૂ તમારામાં ઘણું ક્રિકેટ બાકી છે, તમે સારું પર્ફોર્મ કરતાં હતાં છતાં કેમ નિવૃત્તિ જાહેર કરી દીધી? ગિલક્રિસ્ટનો જવાબ હતો કે મેં એક કેચ પકડેલો એમાં મારા રિફલેક્શન્સ થોડાં ધીમાં હતાં. પત્રકારે કહ્યું કે, પણ તમે કેચ તો પકડી જ લીધેલો… અને તમારા રિફલેક્શન્સ ધીમા હતા એવી અમને ખબર પણ નહોતી પડી. ગિલક્રિસ્ટનો જવાબ હતો કે, હું તમને એની ખબર પડે અને તમે એની નોંધ લેવા લાગો ત્યાં સુધી નિવૃત્તિની રાહ જોવા નહોતો માંગતો.
પછી જેનામાં ઘણું ક્રિકેટ બાકી હતું એવો એ ક્રિકેટર આઈપીએલમાં રમ્યો. આઈપીએલની બીજી સિઝનમાં એણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ડેક્કન ચાર્જર્સ હૈદ્રાબાદની ટીમને ચેમ્પીયન પણ બનાવી. આઈપીએલની પહેલી સિઝનની વિજેતા ટીમ અંડરડોગ રાજસ્થાનની હતી અને એનો કેપ્ટન પણ એક ઓસ્ટ્રેલિયન જ હતો – શેન વોર્ન. એ જ શેન વોર્ન કે જેને હરાજી વખતે કોઈ ફ્રેન્ચાઈઝી ખરીદવા તૈયાર નહોતી. એ પરિસ્થિતિ સમજીને લલિત મોદીએ પોતાનું વર્ચસ્વ ધરાવતી ફ્રેન્ચાઈઝી રાજસ્થાનને વોર્નને ખરીદી લેવાનો ઈશારો કર્યો. જેથી ફિયાસ્કો ન થાય અને એ ખેલાડી રાજસ્થાનને ચેમ્પીયન બનાવી ગયો. આ રીતે ઈન્ડિયન પ્રિમિયર લિગની પહેલી બે સિઝનની ટીમોને ચેમ્પીયન બનાવનારા કેપ્ટન્સ ઓસ્ટ્રેલિયન્સ હતાં.
ઓવરઓલ, મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝ ધેટ કે દુનિયા પાસ્ટ નહીં, પણ લાસ્ટ પર્ફોર્મન્સ જ યાદ રાખે છે માટે જો પોતાના યુગની વાતો વાગોળ્યાં કરીને પર્ફોર્મન્સ સતત ઈમ્પ્રૂવ નહીં કરો તો ફેંકાઈ જતા વાર નહીં લાગે. સતત ઈમ્પ્રૂવ થવામાં પણ ‘પડશે એવા દેવાશે’ની નીતિ નહીં ચાલે કારણ કે આજના યુગમાં તો પડશે એવા કે દેતાં ય નહીં આવડે. હોવ…
ફ્રી હિટ :
તમારા બાપ-દાદાના ભલેને સિક્કા પડે છે,
પણ તમારા નામે ક્યાં પાવલી યે પરવડે છે.
– કવિનું નામ નથી યાદ આવતું નથી મળતું