ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પૂર્વ પંજાબ પ્રાંતના ભાગોમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ અધિકારીઓએ આ જાણકારી આપી છે. ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શેરી રહેમાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 30 જૂન સુધી સમગ્ર દેશમાં પ્રી-મોન્સૂન વરસાદની આગાહી છે.
આ દરમિયાન પંજાબના વિવિધ શહેરોમાં ભારે પવન ફૂંકાવાની, ગાજવીજ સાથે વરસાદ પડવાની અને ભારે વરસાદની સંભાવના છે. તો પાકિસ્તાની અધિકારીઓએ આજે જણાવ્યું કે, પંજાબ પ્રાંતમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. પ્રી-મોન્સૂન વરસાદ વચ્ચે અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાની અનેક ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.
- Advertisement -
શેખૂપુરા-નારોવાલ જિલ્લામાં અનેક મકાનો ધરાશાયી
રાજ્ય સરકારની સંસ્થા ‘સંગઠન રેસ્ક્યૂ 1122’એ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં પ્રાંતના શેખૂપુરા અને નારોવાલ જિલ્લામાં વીજળી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. ઉપરાંત અહીં ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી અનેક મકાનો ધરાશાયી થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સમગ્ર પ્રાંતમાં બચાવ ટીમોને હાઈ એલર્ટ પર રખાઈ છે.