-રૂ.15 હજાર કરોડથી વધુની કરચોરી પણ મળી
જીએસટી વિભાગ દ્વારા બોગસ રજીસ્ટ્રેશનોને શોધી કાઢવા ચાલી રહેલી ઝુંબેશમાં અત્યાર સુધીમાં 4900 બોગસ જીએસટી રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી કરાઈ છે. આ ઝુંબેશ હેઠળ રૂા.15000 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે.
- Advertisement -
આ અંગે માહિતી આપતા જીએસટી અધિકારીઓએ જણાવ્યુ હતુ કે નકલી જીએસટીઆઈને રદ કરવા માટે ચાલી રહેલી બે મહિનાથી ચાલી આવતી ઝુંબેશ 15 જુલાઈના રોજ સમાપ્ત થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ (સીબીઆઈસી)ના સભ્ય શશાંક પ્રિયાએ જણાવ્યુ હતુ કે આ ડ્રાઈવ દરમ્યાન મોટી સંખ્યામાં બોગસ જીએસટી નોંધણીના કેસ મળી આવ્યા છે, જે દર્શાવે છે જીએસટીની નોંધણી તથા વળતર પ્રક્રિયાને વધુ કડક બનાવવાની જરૂર છે.
આ ઝુંબેશ હેઠળ ફિઝિકલ વેરીફીકેશન માટે 69600 જીએસટી નંબર પસંદ કરવામા આવ્યા હતા, જેમાંથી 59178 નંબરની ફિલ્ડ ઓફિસરો દ્વારા ચકાસણી કરવામા આવી હતી. 16 મેથી અત્યાર સુધી આ ઝુંબેશમાં રૂા.15035 કરોડની કરચોરી શોધી કાઢવામા આવી છે અને રૂા.1506 કરોડની આઈટીસી બ્લોક કરવામા આવી છે, જયારે રૂા.87 કરોડની વસુલાત કરવામાં આવી છે. આ દર્શાવે છે કે સીસ્ટમમાં રહેલી છટકબારીઓની ઓળખ કરવી પડશે અને નોંધણી સમયે વેરીફીકેશન પેરામીટર્સ પર વધુ ચીવટથી કામ કરવાની જરૂર છે.