29 કરોડના ખર્ચે 16,000 ચોરસ ફૂટમાં નિર્મિત સંગ્રહાલયમાં 8 ઝોન: ટિકિટના દર પણ જાહેર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન ચરિત્ર અને સાહિત્યિક યોગદાન પર આધારિત સંગ્રહાલય હવે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ઉદ્ઘાટન બાદ લાંબા સમયથી બંધ રહેવાને કારણે આ સંગ્રહાલય ચર્ચાનો વિષય બન્યું હતું, પરંતુ જરૂરી એનઓસી (ગઘઈ) મળ્યા બાદ હવે જનતા માટે તેના દરવાજા ખોલવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેનું ખાતમુહૂર્ત કર્યું હતું, તે આ સંગ્રહાલય 16,000 ચોરસ ફૂટથી વધુ જમીન પર 29 કરોડના ખર્ચે તૈયાર થયું છે. તેનું લોકાર્પણ 6 સપ્ટેમ્બરે મંત્રી મૂળુ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ખૂલ્લો રહેવાનો સમય: સવારે 10:00 થી સાંજના 5:00 કલાક સુધી.
સંરચના: સંગ્રહાલય 2 માળમાં 8 ઝોન અને 1 વિશાળ સભાખંડનો સમાવેશ કરે છે, જે મેઘાણીના જીવન કાર્ય, સાહિત્ય અને સંગીતને નિરૂપે છે.
મુખ્ય આકર્ષણ: પ્રથમ ઝોનમાં બાળપણ અને વંશાવલી, ત્રીજા ઝોનમાં સૌરાષ્ટ્રની રસધાર અને ચારણ ક્ધયા જેવી રચનાઓ અને ચોથા ઝોનમાં ધોલેરા સત્યાગ્રહ તેમજ ગાંધીજી દ્વારા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું તે પ્રસંગ પ્રદર્શિત કરાયા છે. આઠમા ઝોનમાં કસુંબીનો રંગ અને મેઘાણીના અવાજમાં લોકગીતો સાંભળવાની વ્યવસ્થા છે.
ટિકિટના દર:
સામાન્ય મુલાકાતી: ₹20
શાળાના વિદ્યાર્થીઓ (આઈ કાર્ડ સાથે)/સિનિયર સિટીઝન: ₹10
શારીરિક વિકલાંગ: વિનામૂલ્યે
વિદેશી (ગછઈં): ₹50
હાલમાં ત્રણ વર્ષ સુધી અમદાવાદની કોમ્યુનિકેશન એજન્સી દ્વારા તેનું મેન્ટેનન્સ અને જાળવણી કરવામાં આવી રહી છે, જેના માટે 10 કર્મચારીઓ દેખરેખ રાખી રહ્યા છે. સમગ્ર સંગ્રહાલયને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે.



