કોલસાની ખાણાનાં મોટાભાગનાં કામદારો અનુસૂચિત જાતી સમુદાયનાં છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા હાલ તેલંગાણા રાજ્યની મુલાકાતે છે. તેલંગાણા રાજ્યની મુલાકાત દરમિયાન તેઓ પેડ્ડપલ્લી જિલ્લાના રામાગુંડમ શહેર નજીક આવેલી કોલસાની ખાણમાં ગયા હતા. આ અંગે તેમણે કહ્યું કે, પેડ્ડપલ્લી જિલ્લાના રામાગુંડમ શહેર નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાત લેવી એ એક રોમાંચક અનુભવ હતો. કોલસાની ખાણની મુલાકાત દરમિયાન તેમણે એ પણ જોયું કે પૃથ્વીમાંથી કોલસો કાઢવાનું કામ કેટલું મુશ્કેલ અને કપરું છે. આટલું જ નહીં પરંતુ અહીં મોટાભાગના કામદારો અનુસૂચિત જાતિના છે. તેઓ તે કામદારો અને કર્મચારીઓને મળ્યા, તેમના કામ અને તેમની સમસ્યાઓ સાંભળી. તેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કર્મચારી સંઘ સાથે પણ વાત કરી. કોલસાની ખાણની મુલાકાત દરમિયાન કિશોર મકવાણા સાથે કમિશનના સભ્યો વદ્દેપલ્લી રામચંદ્ર અને શ્રી લવકુશા કુમાર પણ હાજર હતા.
કોલસાની ખાણમાં કાર્યરત મોટાભાગના કામદારો અનુસૂચિત જાતિ સમુદાયના છે, જેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ દેશનો ઉર્જા પુરવઠો ચાલુ રાખે છે. આ કોલસાની ખાણમાં કાર્ય કરતા કામદારો અને કર્મચારીઓ સાથે કિશોર મકવાણાએ સૌહાર્દપૂર્ણ મુલાકાતો કરી તેમના પડકારો અને સમસ્યાઓની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પેડ્ડપલ્લી જિલ્લાના રામાગુંડમ શહેર નજીક આવેલી કોલસાની ખાણ ગોદાવરીખાની નજીક સ્થિત છે અને ભારતના કોલસા પુરવઠામાં નોંધપાત્ર યોગદાન આપે છે. ઐતિહાસિક રીતે રામાગુંડમ ક્ષેત્રમાં કોલસાના ભંડાર 1959માં જંગાવ ખાતે મળી આવ્યા હતા, જ્યાં 24 મિલિયન ટન કોલસાના ભંડારની પુષ્ટિ થઈ હતી.



