ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી ઓનલાઈન માધ્યમ દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ખાતે સ્વામિ વિવેકાનંદ સનદી સેવા સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસકેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. આ અભ્યાસકેન્દ્ર IAS, IPS, IRS, IFS સહિતની વિવિધ સનદી સેવા પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સનદી સેવાઓમાં ગુજરાતના યુવાનો યોગદાન આપી શકે તે હેતુથી આ UPSC પરીક્ષા અભ્યાસ કેન્દ્રમાં વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની વિકાસ યાત્રા અને યુવાનોને પૂરા પાડવામાં આવેલા રોજગાર અવસરો વિશે વાત કરી હતી. યુનિવર્સિટીના કૂલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે ઉપસ્થિત યુવાઓને આવકાર્યા અને રાષ્ટ્રને ઉન્નત શિખરો સુધી પહોંચાડવા માટે લક્ષ્યસિદ્ધિ માટે કઠોર સાધના કરવા પ્રેરણા આપી હતી. પ્રથમ દિવસે, મેંદરડા ખાતે ફરજ પર નિયુક્ત નવનિયુક્ત ઈંઅજ પ્રતિક જૈને UPSC પરીક્ષાની તૈયારી માટે વિસ્તૃત માહિતી અને અભ્યાસલક્ષી સાહિત્યની ઉપલબ્ધિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે UPSCને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણાવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, હિસાબી અધિકારી અને પરીક્ષા નિયામક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.