અરૂણાચલ પ્રદેશમાં જન્મેલી અને લંડન નિવાસી મહિલાએ શાંઘાઈ એરપોર્ટ પર કલાકો સુધી અટકાયતમાં રાખવા મુદ્દે ચીને મંગળવારે ઉશ્કેરણીજનક નિવેદન કર્યું હતું. ભારતીય મહિલાની ફરિયાદ પર ભારતે વાંધો નોંધાવ્યા પછી ચીને કહ્યું કે, અરૂણાચલ તો ભારતનું છે જ નહીં અને શાંઘાઈ એરપોર્ટ પર મહિલા સાથે કોઈ ગેરવર્તણૂક કરાઈ નથી. ઈમિગ્રેશન અધિકારીઓએ માત્ર કાયદા મુજબ કામ કર્યું છે. સાથે જ ભારત અંગે ચીનનું બેવડું વલણ ફરી સામે આવ્યું છે. ભારત સાથે મિત્રતાનો દાવો કરનારું ચીન તિબેટમાં તેના સૈન્યને શસ્ત્રસરંજામ ઝડપથી પહોંચાડવા માટે કનેક્ટિવિટી સુધારવા રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, ચીને ભારત દ્વારા ગેરકાયદેરૂપે સ્થાપિત તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી. જાંગનાન ચીનનું જ ક્ષેત્ર છે. મહિલા સાથે નિયમો મુજબ તપાસ પ્રક્રિયા અપનાવાઈ હતી. ચીનના આ નિવેદનથી સ્પષ્ટ છે કે ચીન અરૂણાચલ પ્રદેશને ભારતનું માનતું જ નથી.
- Advertisement -
બ્રિટનમાં રહેતી ભારતીય મહિલા પેમા વાંગજોમ થોંગડોકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો કે ૨૧ નવેમ્બરે તે લંડનથી જાપાન જઈ રહી હતી ત્યારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના ઈમિગ્રેશનવાળાએ માત્ર એટલા માટે તેના પાસપોર્ટને ‘ગેરકાયદે’ ગણાવ્યો કારણ કે તેમાં જન્મ સ્થળ તરીકે અરૂણાચલ પ્રદેશ લખેલું હતું. આ પોસ્ટને ભારતીય વિદેશ મંત્રાલયને ટેગ કરતા થોંગડોકે સવાલ કર્યો હતો કે શું અરૂણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે? વાંગજોમની પોસ્ટ પર ભારતે આકરું વલણ અપનાવતા તિવ્ર વાંધો ઉઠાવ્યો હતો. ભારતે ચીન દ્વારા ભારતીય પ્રવાસીને અટકાયતમાં લેવાના આધારને અર્થહીન ગણાવ્યો હતો. ભારતે આકરો વાંધો ઉઠાવ્યા પછી હવે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીને અરૂણાચલને ક્યારેય માન્યતા આપવાની વાત કરી નથી. જાંગનાન ચીનનું ક્ષેત્ર છે. ચીન ક્યારેય ભારત દ્વારા ગેરકાયદેરૂપે સ્થાપિત તથાકથિત અરૂણાચલ પ્રદેશને માન્યતા નહીં આપે. તમે જે વ્યક્તિગત કેસનો ઉલ્લેખ કર્યો છે તે અંગે અમને જે માહિતી મળી છે તે મુજબ સમગ્ર બાબતમાં ચીનના ઈમિગ્રેશન અધિકારીઓએ કાયદા અને નિયમો મુજબ કામગીરી કરી છે.
દરમિયાન ભારત અંગે ચીનનું બેવડું બલણ ફરી સામે આવ્યું છે. ચીનની વિસ્તારવાદી નીતિ કોઈનાથી છુપી નથી. ચીનની નજર હવે તિબેટની નજીક ભારતના ક્ષેત્રો પર છે. ચીન તિબેટ પાસે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. ચીને તિબેટમાં માનવરહિત હવાઈ વાહન (યુએવી)નું પરીક્ષણ કેન્દ્ર બનાવ્યું છે. ૪૩૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત આ કેન્દ્ર ચીનના સૈનિકોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડાઈ ચાલુ રાખવામાં મદદ કરી શકે છે.
આ સિવાય તિબેટમાં ૭૨૦ મીટર લાંબા રનવેવાળો સૈન્ય થાણું પણ બનાવ્યું છે, જેમાં ચાર હેંગર સહિત અનેક વસ્તુઓ સામેલ છે. ચીન ઝડપથી તિબેટના સરહદીય વિસ્તારોમાં રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે.




