મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વર્ષ 2019માં ત્રણ વર્ષની બાળકી પર તેના ઘર સામે જ રહેતા એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની બાળકીની માતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે આ ઘટનામાં આરોપી રમેશ બાબુ માનેવાણીયાને ઝડપી લીધો હતો અને તેના મેડીકલ ટેસ્ટ કરાવી તપાસ હાથ ધરી હતી જે બાદ તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જતો રહ્યો હતો.
આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ડી. પી. મહીડાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ફરિયાદી તરફી સરકારી વકીલ સંજય દવેએ ધારદાર દલીલ કરી હતી તેમજ ઘટના સાથે જોડાયેલ 18 સાક્ષીઓના મૌખિક પુરાવા અને 26 દસ્તાવેજી પુરાવા રજુ કરી આ કેસમાં આરોપીને કડક સજા કરી દાખલો રજુ કરવા માંગ કરી હતી તો બીજી તરફ બચાવ પક્ષ દ્વારા પણ દલીલ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલ અને પુરાવા તેમજ સાક્ષીઓના આધારે કોર્ટે આરોપી રમેશ બાબુને 20 વર્ષની સખત કેદ તેમજ 20 હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરી શકે તો વધુ એક વર્ષની કેદ આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટ દ્વારા ભોગ બનનાર બાળકીના પરિજનોને રૂ. 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.