ખાસ-ખબર સંવાદદાતા
માળીયા મિંયાણાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની 14 વર્ષની પુત્રીને ત્યાં જ વાડીમાં કામ કરતા નરાધમ શખ્સે હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું હતું જેમાં ખેતમજૂરી કરતી આ બાળાને ઘરે મુકવાના બહાને લઈ જઈ રસ્તામાં ઢગાએ તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
પોલીસે જાહેર કરેલી વિગત મુજબ આરોપી ભરતભાઇ નારણભાઈ સુરાણી (ઉં.વ. 49) એ જીરું વાવવા માટે ભાગમાં ખેતર રાખ્યું હોય પણ ખેતમજૂરી માટે શ્રમિકની જરૂર પડતા તે ગત તા. 21 ઓક્ટોબરના રોજ બહારના પરિવારની એક 14 વર્ષની દીકરીને તેના ઘરેથી ખેતરે ખેતમજૂરી કરવા લઈ ગયો હતો. આ સગીરાએ આખો દિવસ ખેતરમાં મજૂરી કામ કર્યા બાદ આરોપીને ઘરે જવાનું કહેતા આરોપી ઢગાએ પુત્રી જેવડી ઉંમરની આ 14 વર્ષની દીકરી પર નજર બગાડી તેણીની એકલતાનો લાભ લઇ હવસનો શિકાર બનાવી હતી. હવસ સંતોષી લીધા બાદ આ નરાધમે સગીરાને આ વાતની કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપીને તેણીને ઘરે મૂકી આવ્યો હતો પણ સગીરાએ હિંમત કરીને પોતાના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની તેના મામાને જાણ કરતા મામાએ તુરંત જ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.