ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાને ફરી એકવાર ડ્રોનની મદદથી ભારતના સરહદી વિસ્તારમાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો ફેંક્યો હતો. ગુપ્તચર સંસ્થા તરફથી મળેલી માહિતીને પગલે આરએસપુરાના અરનિયા સેક્ટરમાં સંયુક્ત તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એસઓજી અને પોલીસે ભારે માત્રમાં શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કર્યાં હતા.જપ્ત કરવામાં આવેલાં શસ્ત્રો અને વિસ્ફોટકોમાં ત્રણ ડિટોનેટર, રિમોટ સંચાલિત ત્રણ આઈઈડી, વિસ્ફોટકો ભરેલી ત્રણ બાટલી, એક બન્ડર કાર્ટેક્સ વાયર, બે ટાઈમર આઈઈડી, એક પિસ્તોલ, બે કાટ્રિજ, છ ગ્રેનેડ અને 70 કારતૂસનો સમાવેશ થાય છે.
- Advertisement -
મોડી રાત્રે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન જોવા મળ્યું હતું. બીએસએફના જવાનોએ ડ્રોન પર ગોળીબાર કર્યો હતો જેને પગલે ડ્રોન પાછું જતું રહ્યું હતું.બીએસએફના 42મી બટાલિયનના જવાનોએ સરહદી વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા આ શસ્ત્રો અને વિસ્ફોટકો સ્થાનિક આતંકવાદીઓ સુધી પહોંચાડવા માગતું હતું. મળેલી માહિતીને પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ત્યાર બાદ વિશેષ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ઘટનાને મામલે અરનિયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.