મતદાર યાદી સુધારણા દરમિયાન બિહારમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના વિદેશી નાગરિકો મળી આવ્યા હતા; ચકાસણી પછી તેમના નામ બાકાત રાખવામાં આવશે. ચૂંટણી પંચ 2026 ની ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણાને વધુ પાંચ રાજ્યોમાં લંબાવશે.
મતદાર નાગરિકતા ચકાસવા માટે ચૂંટણી પંચે 25 જૂનથી મતદાન યાદી સુધારણા શરૂ કરી
- Advertisement -
અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં અયોગ્ય મતદારોના નામ બાકાત રાખવામાં આવશે
બિહારમાં ૭૭,૦૦૦ થી વધુ ચૂંટણી અધિકારીઓ ૭.૮ કરોડ મતદાર દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિવાદાસ્પદ બન્યો છે ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે નવી મતદાર યાદી બનાવવા માટે વ્યાપક પુનઃસમીક્ષા કાર્યક્રમ માટે ઘરે ઘરે જઈ રહેલા ફિલ્ડ લેવલના અધિકારીઓને બાંગ્લાદેશ, મ્યાંમાર અને નેપાળના ગેરકાયદે વસાહતીઓ મોટી સંખ્યામાં ભારતીય નાગરિક તરીકે મતદાર યાદીમાં જોડાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. યોગ્ય તપાસ બાદ ૩૦ સપ્ટેમ્બરે પ્રકાશિત થનારી અંતિમ મતદાર યાદીમાં આ લોકોનો સમાવેશ કરવામાં નહીં આવે.
- Advertisement -
ચૂંટણી પંચે બિહારની જેમ આગામી મહિનાથી સમગ્ર ભારતમાં મતદાર યાદીમાં વ્યાપક સુધારણા કાર્યક્રમ શરૂ કરવા માટે તેની સંભવિત ચૂંટણી મશીનરીને કામે લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને મતદાર યાદીમાં વ્યાપક સુધારણા કાર્યક્રમ ચલાવવો એ ચૂંટણી પંચની બંધારણીય ફરજ હોવાનું જણાવતા અને બિહારમાં એસઆઈઆર અભિયાનને ચાલુ રાખવાની મંજૂરી આપ્યા પછી હવે ચૂંટણી પંચે સમગ્ર દેશમાં આ કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી છે. કેટલાક રાજ્યોમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓએ તેમના રાજ્યમાં છેલ્લા એસઆઈઆર પછીની મતદાર યાદી પ્રકાશિત કરી દીધી છે.
ચૂંટણી પંચે કહ્યું કે, બિહારમાં બધા જ વિદેશી નાગરિકોના નામ મતદાર યાદીમાંથી હટાવતા પહેલા એક ઑગસ્ટથી આ પ્રકારના તમામ લોકોની તપાસ કરાશે. તપાસમાં જે પણ લોકોની નાગરિક્તા વિદેશી હોવાનું જણાશે તે બધાને મતદાર યાદીમાંથી બહાર કઢાશે. આ પ્રકારના ગેરકાયદે વસાહતીઓની સંખ્યા કેટલી હશે તેવા સવાલના જવાબમાં અધિકારી ચોક્કસ સંખ્યા જણાવી શક્યા નહોતા. પરંતુ તેમણે એટલું જરૂર કહ્યું કે, આવા લોકોની સંખ્યા લાખોમાં હશે.
બીજીબાજુ ચૂંટણી પંચે દાવો કર્યો કે, મતદાર યાદીને અપડેટ કરવા માટે વહેંચવામાં આવેલા એનુમરેશન ફોર્મમાંથી અત્યાર સુધીમાં ચૂંટણી પંચ પાસે ૮૦ ટકાથી વધુ ફોર્મ જમા થઈ ગયા છે. આ મતદારોએ તેમના નામ, સરનામા, જન્મ તારિખ, આધાર નંબર, મતદાર ઓળખ કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરાવી દીધું છે. ચૂંટણી પંચે ફોર્મ જમા કરાવવા માટેની અંતિમ તારિખ ૨૫ જુલાઈ નિશ્ચિત કરી છે ત્યારે નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂરી થઈ જવાની ચૂંટણી પંચને આશા છે.
આ બધા જ લોકોનો ડેટા સોફ્ટવેરમાં ડાઉનલોડ કરાઈ રહ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દસ્તાવેજોની ખરાઈ કરી રહેલા બીએલઓના ધ્યાનમાં આવ્યું છે કે બિહારમાં રહેતા વિદેશી નાગરિકોમાંથી મોટાભાગનાએ આધાર કાર્ડ, રાશન કાર્ડ અને મૂળ નિવાસીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો પણ મેળવી લીધા છે. આવા લોકોની યાદી તૈયાર કરાઈ રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચે ૨૫ જૂનથી બિહારના ૨૪૩ વિધાનસભા ક્ષેત્રોમાં મતદાર યાદીમાં વ્યાપક સુધારણા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કામ માટે લગભગ દોઢ લાખ બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ને ઘરે ઘરે જઈને મતદારોના દસ્તાવેજો તપાસવાની જવાબદારી સોંપાઈ છે. ચાર લાખથી વધુ સ્વયંસેવકો પણ આ કામમાં યોગદાન આપી રહ્યા છે.
ચૂંટણી અધિકારીએ દાવો કર્યો કે અનેક જગ્યાએ એક જ સરનામા પર અનેક મતદારોના નામ હોવાનું જણાયું છે જ્યારે હકીકતમાં મૂળ માલિકને આ અંગે કોઈ માહિતી જ નથી હોતી.
એક મકાન માલિકે જણાવ્યું કે, તેના ઘરમાં ચાર લોકો રહે છે જ્યારે મતદાર યાદીમાં તેના સરનામા પર ૬૮ લોકોના નામ છે. ચૂંટણી અધિકારીએ કહ્યું કે, આ રીતે ખોટા સરનામા પરના મતદારોના નામ અંતિમ મતદાર યાદીમાંથી હટાવી દેવાશે. અધિકારીએ કહ્યું કે, જે લોકોના નામ મતદારોની ડ્રાફ્ટ યાદીમાં ન હોય તે લોકો ક્રમશઃ મતદાન રજિસ્ટ્રેશન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરીને પોતાના પ્રમાણપત્રો સાથે મતદાર યાદીમાં નામ ઉમેરવાનો દાવો કરી શકે છે.
ચૂંટણી પંચે વર્ષ ૨૦૦૩ પછી જે લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે તે બધા જ મતદારોને તેમના દસ્તાવેજ ૩૦ ઑગસ્ટ સુધીમાં જમા કરાવવા નિર્દેશ કર્યો છે. ચૂંટણી પંચે મતદાર યાદીમાં વ્યાપક સુધારણા અભિયાન શરૂ કરતી વખતે જ મોટી સંખ્યામાં વિદેશી ઘૂસણખોરોના નામ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.