તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે સટ્ટો રમાડતાં મુખ્ય બે બુકીઓ ઝડપાયાં હતા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
ગીરનું જંગલ ટુરીઝમ કરતા જુગારીઓ,સટ્ટોડીયા તથા દારૂ જેવી કથિત ગુનાહિત પ્રવૃતિઓ કરતા આવારા તત્વોનું પ્રિય સ્થળ બન્યું હોય તેમ તાલાલા તાલુકામાં થોડા દિવસ પહેલા સાંગોદ્રા ગીર ગામની સીમમાં આવેલ રીસોર્ટમાંથી કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે જુગાર રમતા 55 પતાપ્રેમીઓ ઝડપાયા બાદ તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામના રીસોર્ટમાં આઈ.પી.એલ.મેચ ઉપર સટ્ટો રમાડતા બે
- Advertisement -
બુકીઓને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી પકડી પાડતાં ભારે ચકચાર ફેલાયેલ છે.
આ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે આવેલ લાયન કલબ ફાર્મ એન્ડ રીસોર્ટમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે પી.આઈ.આર.કે.કરમટા નાં માર્ગદર્શન હેઠળ દરોડો પાડી રીસોર્ટમાં રૂમ ભાડે રાખી આઈ.પી.એલ.ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા બે સટોડિયાઓને ઝડપી લીધા હતા.એસ.એમ.સી.એ દરોડા દરમ્યાન મુખ્ય આરોપી ચિરાગ ખોડાભાઈ પટેલ તથા વિશાલ કાનુભાઈ પટેલ રે.બંને ચાણસ્મા વાળા ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતાં હતા.ફાર્મ હાઉસમાં દરોડા દરમ્યાન રોકડ રકમ રૂ.46 હજાર 160 તથા 6 મોબાઈલ કિ.રૂ.20 હજાર 500 મળી કુલ 66 હજાર 810 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.સટ્ટાની વેબસાઇટ ઉપર ઓનલાઇન ક્રિકેટ ના સટ્ટામાં ઝડપાયેલ મુખ્ય આરોપી ચિરાગ પટેલ કોંગ્રેસ નેતા તથા ચાણસ્મા પાલીકાનો કોર્પોરેટર છે અને તેનાં એકાઉન્ટમાં રૂ.15 લાખ 25 હજાર 999 ની બેલેન્સ હોવાની વિગતો બહાર આવી છે.એસ.એમ.સી.ની ટીમે બંને આરોપીઓની પૂછપરછ કરતાં મુખ્ય આરોપીઓને સટ્ટાના પોર્ટલની આઈ.ડી પૂરી પાડનાર અનિલ નારાયણ પટેલ,યોગેશ નારાયણ પટેલ સહિત 18 આરોપીઓનાં નામો ખુલ્યા હોય ફરાર આરોપીઓની શોધખોળ કરવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.એસ.એમ.સી.ટીમે 20 આરોપીઓ વિરુદ્ધ સટ્ટા બેટિંગ અને જુગાર અધિનિયમ ની કલમો લગાવી પી.આઈ.આર.કે.કરમટા એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલાલા ગીર તથા સાસણગીર વિસ્તારમાં અનેક ફાર્મ હાઉસો તથા રિસોર્ટ દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિથી ધમધમી રહ્યા છે આવી પ્રવૃત્તિ ચલાવતા ફાર્મ હાઉસો અને રીસોર્ટ ઉપર લગામ લાવવાં પોલીસ વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરે તેવી બુલંદ માંગણી ઉઠી છે.
દારૂ તથા જુગારની પ્રવૃત્તિથી ધમધમતા અનેક ફાર્મ હાઉસ
તાલાલા ગીર તથા સાસણગીર વિસ્તારમાં અનેક ફાર્મ હાઉસો તથા રિસોર્ટ દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિથી ધમધમી રહ્યા છે આવી પ્રવૃત્તિ ચલાવતા ફાર્મ હાઉસો અને રીસોર્ટ ઉપર લગામ લાવવાં પોલીસ વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરે તેવી બુલંદ માંગણી ઉઠી છે.
ચિરાગ સામે અગાઉ બે ગુના: પ્રવિણ ચૌધરીના નામનો ચેક મળ્યો, તે કોણ ?
મોનિટરીંગ સેલની તપાસમાં ખુલ્યું કે, ચાણસ્મા ખાતે કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ પટેલ સામે અગાઉ રાયોટીંગ, સરકારી કર્મચારી પર હુમલો અને જુગાર ધારાની બે ફરિયાદો દાખલ થયેલી છે. આમ, આરોપી વિરૂદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયો છે. પોલીસને આરોપી વિશાલ પાસેથી પ્રવિણ પ્રતાપ ચૌધરીના નામનો સહી કરેલો કોરો ચેક મળ્યો જેમાં રકમ લખી ન હતી. આ પ્રવિણ કોણ તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
દરરોજના રૂ.500 પગાર પેટે નોકરીએ રાખેલાં
એસ.એમ.સી.ના દરોડા દરમિયાન ઝડપાયેલ વિશાલ કનુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સુનીલ મારો સગો નાનો ભાઈ છે અને તે ક્રિકેટ મેચ ઉપર મોટાપાયે ઓનલાઈન સટ્ટા બેટીંગ રમાડતો હોય અને મને પણ સટ્ટા બેટીંગ રમવાની ટેવ હોય પરંતુ હુ અભણ હોય જેથી અમારા ગામના ચિરાગભાઈ મારા ભાઈ સુનીલ સાથે મળી ક્રિકેટ મેચ પર સટ્ટા રમાડતા હોય જેથી ચીરાગભાઈએ મને રોજ રૂ.500 પગાર પેટે નોકરી પર રાખ્યો હતો અને હુ મારા મોબાઈલ ઉપર તથા ચીરાગભાઈના મોબાઈલ પર સટ્ટો લખતો હતો.